Western Times News

Gujarati News

નિશ્વેત નવજાતના શરીરમાં કૃત્રિમ શ્વાસ થકી પ્રાણ ફૂંક્યા

હારીજની સગર્ભા મહિલાને મોડી રાત્રે લેબર પેઈન શરૂ થતાં ૧૦૮ના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સ્થળ પર જ જોડિયા બાળકોની ડિલીવરી કરાવાઈ : ક્રિટીકલ ગણાતી બ્રિચ ડિલીવરી કંડિશનમાં બાળકને નોર્મલ ડિલીવરી કરાવવા સાથે બંધ પડેલા હ્રદયને ઓક્સિજન પંપિંગ દ્વારા ફરી ધબકતું કર્યું સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર

પાટણ: રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા હારીજના ચંદાબેન માટે આશિર્વાદરૂપ સાબિત થઈ. સ્થળ પર જોડીયા બાળકોની ડિલીવરી કરાવી ઈશ્વરીય જવાબદારીનું નિર્વહન કરી પેરામેડિકલ સ્ટાફના રાકેશભાઈ નાયીએ ડિલીવરી દરમ્યાન બીજા બાળકના બંધ પડી ગયેલા હ્રદયને કૃત્રિમ શ્વાસ આપી નિશ્ચેત થયેલા શરીરમાં નવા પ્રાણ ફૂંક્યા.

હારીજના રસુલપુરા ગામે ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા અનારસંગજી ઠાકોરના પત્નિ ચંદાબેનને રાત્રે નવ વાગ્યે લેબર પેઈન શરૂ થયો. ગામમાં આશા વર્કર તરીકે કામ કરતા ચેતનબેને રાત્રે સગર્ભાના ઘરે પહોંચી જઈ ૧૦૮ પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી. ત્વરીત સ્થળ પર પહોંચી જઈ એમ્બ્યુલન્સના ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન રાકેશભાઈએ સ્થળ પર જ બાળકની નોર્મલ ડિલીવરી કરાવી. તે સમયે રાકેશભાઈના ધ્યાનમાં આવ્યું કે ચંદાબેનના ગર્ભમાં હજી બીજુ બાળક છે. બીજા બાળકની ડિલીવરી મુશ્કેલ જણાઈ, કારણ કે આ બ્રિચ ડિલીવરીનો કેસ હતો. ગર્ભમાં રહેલુ બાળક ઉંધુ હોવાથી રાકેશભાઈએ અમદાવાદ સ્થિત ડૉક્ટરની સલાહ લીધી અને તે મુજબ બીજા બાળકની સફળ નોર્મલ ડિલીવરી કરાવી.

ડિલીવરી પહેલાં જ બાળકે ગર્ભમાં સ્ટુલ પાસ કરી દીધુ હતું જેના કારણે તેના ધબકારા બંધ પડી ગયા હતા. નવજાતના પગમાં પિંચીંગ પીઠ રબ કરવા છતાં ધબકારા શરૂ ન થયા. ક્રિટીકલ કેસ માટે ખાસ તાલીમ પામેલા ઈ.એમ.ટી. રાકેશભાઈએ નવજાતને અંબુ પંપ દ્વારા પંપીંગ કરી કૃત્રિમ શ્વાસ આપ્યા. ૧૫ થી ૨૦ મિનીટની ભારે જહેમત બાદ બાળકે શ્વાસ લીધો અને શરૂ થયો અનારસંગજી ઠાકોરના કુળદિપકનો ધબકાર…

ઈ.એમ.ટી. રાકેશભાઈ કહે છે કે, બ્રિચ ડિલીવરી કંડિશનમાં સામાન્ય રીતે સિઝેરીયન કરવામાં આવે છે, પરંતુ અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય ન હતો. ડૉક્ટરનો સંપર્ક સાધી તેમની સલાહ મુજબ બ્રિચ ડિલીવરી કંડિશનમાં રહેલ બાળકની નોર્મલ ડિલીવરી કરાવી શક્યો.

વધુમાં રાકેશભાઈ કહે છે કે, ડિલીવરી બાદ બાળકના વાઈટલ રેકોર્ડ થઈ શકતા ન હતા, તેથી તેને કૃત્રિમ શ્વાસ આપી તેનો જીવ બચાવી શક્યો. મારા હાથે એક નવજાતને નવી જીંદગી આપી શક્યો તેનો આનંદ છે. ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ અને આશા વર્કરના સંયુક્ત પ્રયત્નો દ્વારા જોડિયા બાળકોની સફળ ડિલીવરી કરાવ્યા બાદ બંને નવજાત અને તેમની માતાને હારીજ સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા. જોડિયા બાળકોનું વજન ઓછું હોવાથી ફરજ પરના તબીબે તેમને પાટણના ધારપુરની જનરલ હોસ્પિટલ રિફર કર્યા. ધારપુર ખાતે હાલ બંને બાળકોને ઈન્કયુબેટરમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે.

જોડિયા બાળકોના પિતા અનારસંગજી કહે છે કે, ૧૦૮ના સ્ટાફે ખુબ જહેમતથી મારા બાળકના બંધ પડેલા ધબકારા શરૂ કરી તેને જીવાડ્યો. ખરા સમયે જો એમ્બ્યુલન્સ ન આવી હોત તો મારા બાળકોનો જીવ ન બચાવી શકાયો હોત. ૧૦૮ એમ્બ્યુલન્સ મારા બાળકો માટે લાઈફ લાઈન બનીને આવી. મુશ્કેલીના સમયમાં સમયસર મદદ મળી શકી તે માટે હું આજીવન રાજ્ય સરકારનો આભારી રહીશ.

રાજ્ય સરકાર દ્વારા નાગરીકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સગર્ભા મહિલા અને નવજાત શિશુના આરોગ્યની વિશેષ કાળજી લઈ ઝડપી આરોગ્યલક્ષી સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. સૌથી ઓછા બાળ મરણના દર સાથે ગુજરાત દેશમાં મોખરાના સ્થાને છે ત્યારે પાટણ જિલ્લાના હારીજ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની સમયસુચકતા, ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયનના ત્વરિત નિર્ણય અને જહેમતથી સગર્ભા માતા સાથે જોડિયા બાળકોનો જીવ બચાવી શકાયો. એક બાળકની નોર્મલ ડિલીવરી બાદ બ્રિચ ડિલીવરી કંડિશનમાં બીજા બાળકની સફળ ડિલીવરી પણ કરાવી અને સાથે સાથે બીજા નવજાતને કૃત્રિમ શ્વાસ આપી મોતના મુખમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.