Western Times News

Gujarati News

‘નિષ્કુળાનંદ કાવ્ય- ૫ ‘વચનવિધિ’’  વિષય ઉપર ૮૯મું પ્રવચન યોજાયુ

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત વચનવિધિ ગ્રંથ ખાલી સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય પૂરતો નથી પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે છે. – : પૂ. નારાયણમુનિદાસ સ્વામી (Narayanmunidas Swami)

ગાંધીનગર,  ‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર (aarsh shodh sanshodhan, akshardham, gandhinagar) દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની (Pramukh swami maharaj) પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના (Mahant swami maharaj) કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૨ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિ વિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્રઃ વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે.

તાજેતરમાં શાસ્ત્ર વિષયના ભાગરૂપ ‘આર્ષ’ અક્ષરધામ દ્વારા ‘નિષ્કુળાનંદ કાવ્ય- ૫ ‘વચનવિધિ’’ ઉપર ૮૯માં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાધ્યાપકશ્રી, સંત પ્રશિક્ષણ કેન્દ્ર, સારંગપુર પૂ. નારાયણમુનિદાસ સ્વામીએ વક્તવ્યનો (narayanmunidas swami, sarangpur) લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે ૧૦૦૦ જેટલા શ્રોતાઓએ ભાગ લીધો હતો.

‘નિષ્કુળાનંદ કાવ્ય- ૫ ‘વચનવિધિ’’ વિષય પર પ્રકાશ પાડતાં પૂ. નારાયણમુનિદાસ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીના વ્યક્તિત્વ અને કાર્યને સંક્ષિપ્તમાં દર્શાવતાં જણાવ્યું કે, નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ હતા. ‘જનની જીવો ગોપીચંદની,’ ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’ જેવા પદ ગવાય ત્યારે યુવાનોને પણ વૈરાગ્યની ખુમારી ચડી જતી.

નિષ્કુળાનંદ સ્વામીએ ૨૨ ગ્રંથોની રચના કરી છે, કીર્તનો અલગ. સંપ્રદાયમાં વૈરાગ્યની મૂર્તિ તરીકે ઓળખાતા તેઓએ વૈરાગ્ય વિષે સારસિદ્ધિ નામે ગ્રંથ પણ લખ્યો છે.  શ્રી મનુભાઈ પંચોળીએ (Manubhai Pancholi) કહ્યું હતું કે ‘નિષ્કુળાનંદ સ્વામી જેવી લાઘવ શક્તિ અન્ય કવિમાં જોવા મળતી નથી’. ભગવાન સાથેના જોડાણની વાત વચનવિધિ ગ્રંથમાં છે. પ્રથમ વિધિ પ્રમાણે વર્તવાનો સંકલ્પ ત્યારબાદ તે મુબજ વર્તવાની રીત અન છેલ્લે તે મુજબ વર્તવાથી થતી પ્રાપ્તિની વાત છે.

ગ્રંથમાં ૫૨ (બાવન) પ્રકરણો છે. જેમાં વર્તનની તથા વિષય ખંડનની વાત છે. વિષય ખંડનની વાત બદરીકાશ્રમ, શ્વેતદ્વીપ કે અક્ષરધામ જેવા સ્થાન કે મોટા એકાંતિક સંત પાસે જ થાય છે. વાત કડવી લાગે તેવી છે તેથી પ્રત્યેક પ્રકરણને કડવા તરીકે ઓળખવામાં આવ્યા છે.

ગ્રંથના પ્રારંભના ચાર-પાંચ કડવામાં કહ્યું છે કે વચન પાળવું કોઈને ગમતું નથી. મોકળાશમાં મજા છે પરંતુ તેથી કામ સરતું નથી. મનુષ્ય માત્રને બે ઈચ્છાઓ રહ્યા કરે છે. એક પૂર્ણ સુખ પ્રાપ્ત કરવું અને બીજુ મોટ્યપ મેળવવી. મોટ્યપ મેળવવાની ઈચ્છા મૂક્યા સિવાય છુટકો જ નથી. સુખ મેળવવાની ઈચ્છા પશુ પક્ષીઓને પણ હોય છે. આ બંને ઈચ્છા પૂર્ણ કરવી હોય તો ભગવાનનું વચન પાળવું આવશ્યક બને છે. આ રીતે જોઈએ તો આ વચનવિધિ ગ્રંથ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો નથી પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે છે.

આખું જગત ભગવાનના વચન પ્રમાણે જ ચાલે છે. ભગવાનનું સંચાલન અત્યંત વ્યવસ્થિત અને નિયમિત છે. ભગવાન સમગ્ર સૃષ્ટિનું નિયમન કરે છે પૃથ્વીના ભ્રમણની ગતિ જો ૧૦ ગણી ધીમી થાય તો રાત દિવસ ૧૦ ઘણા મોટા થઈ જાય. આમ થાય તો તમામ જીવ સૃષ્ટિ નાશ પામે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ૫૦ હજાર કિલોમિટર ઓછું થાય તો પૃથ્વી પરના તમામ પર્વતો ભરતીના પાણી નીચે દિવસમાં બે વખત ડુબી જાય. આમ પ્રકૃતિ પણ ભગવાનના નિયમનમાં વર્તે છે.

આપણે શાસ્ત્ર પ્રમાણે એટલે કે વચનની વિધિ મુજબ વર્તવાનું છે. આ પ્રમાણે વર્તવાથી ગોપીયોના જેવી મોટ્યપ પમાય છે. વચનલોપનું કારણ કુસંગ છે. વચનલોપથી ક્લેશ થાય, સન્માન ન રહે, શારીરિક સુખ ન રહે અને પ્રશ્નો ઉભા થાય. આ બાબત પુરાવાના આધારે સમજાવી છે. નારદજી અને બ્રહ્માજીનાં દૃષ્ટાતો ટાંક્યા છે. તેમા પણ તર્ક નથી. તેઓના ગુણ દર્શાવ્યા છે અને આવા ગુણવાનને પણ વચનલોપથી કેવા પ્રશ્નો ઉભા થયા તેની તેઓની માનસિક ભૂમિકાની વાત કરી છે.

આ વાતો સનાતન છે. વચનલોપથી ક્લેશ આવે છે. જે વચન લોપે છે, તેની આગળ આગળ દુઃખ આવે છે. આજ્ઞાલોપ કે કુસંગથી કદાચ શરૂઆતમાં સુખ જણાય પણ અંતે તો વિનાશ તરફ દોરી જાય છે. ખોટું કાર્ય કર્યું હોય તેની પ્રતિષ્ઠા તો જાય જ છે. સાથે સાથે બીજા પ્રશ્નો પણ ઉભા થાય છે. વચન લોપીને સુખ મેળવવું તે શક્ય જ નથી. રાજાના કુંવરને મારીને ગાદીએ બેસવા તૈયાર થાય તેને રાજા કેવી રીતે રાજ્ય આપે?  તેમ ભગવાનનું વચનલોપી ભગવાન પાસે સુખ માંગીએ તો ક્યાંથી મળે ?
ભગવાનનો મહિમા યથાર્થ વિચારીશું તો આજ્ઞા પળાશે.

આજ્ઞા પાળવાની રીતમાં બુદ્ધિને તાળાં મારી દેવાના. આજ્ઞા પ્રમાણે વર્તવાથી સુખ પામી શકાય છે. જોબનપગી, જેતલપુરની ગણિકા અને વર્તમાન કાળમાં રાયસંગ બાપુ, રિશુભાવાળા વચન પાલનથી જ આગળ નિકળી ગયા. ભગવાન રાજી ન થાય તો ભલે પણ ભગવાનનો કોપ તો ન જ વહોરવો. ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃત પ્ર.૩૪માં સમજાવી છે. કુસંગ તો કરવો જ નહી આજ્ઞામાંથી પાડવામાં કુસંગ મુખ્ય છે.

કુસંગથી ખરાબ ગુણ પ્રવેશે છે. જે પતન લાવીને વિઘ્ન ઉભા કરે છે. કંઈક લાભ જણાવાથી કુસંગ થાય છે. પણ તે વિઘ્ન લાવે છે. ધતુરાના બી ખાવાથી ભૂખ ભાંગે પણ મોત આવે છે. ખોરાકની અપેક્ષાએ ઉંદર સર્પનો ટોપલો કાપે પણ તે મરવાનો જ છે. આવું જ તાત્કાલિક સુખ મેળવવા કુસંગના માર્ગે ચાલવાથી થાય છે.

વચન પાલનમાં દૃઢતા થાય તે માટે કુસંગથી ડરતા રહેવું. વેરી પણ કુસંગ કરતાં સારો, કારણ કે તે એક વાર માથું કાપે પણ કુસંગ અનેકવાર ગળા કપાવે. વચન પાળવામાં કુસંગ નડે છે. કુસંગનો યોગ હશે તો સત્સંગ પ્રધાન નહિ રહે. મહારાજને મળવું હોય તો સંત સાથે રોષ રાખવાથી વાત બનશે નહી. સંત વિના સંસાર તરવો શક્ય નથી. સંત વિના અંધારૂં છે. એવા સંત શુભગુણે યુક્ત છે, ધર્મ નિયમવાળા છે, તેનો સંગ કરવાનો છે, તેના વચન પાળવાના છે, તે જ વચનવિધિ.

અંતમાં પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ તેમના ટૂંકા પ્રવચનમાં સારરૂપ વાત કરતા જણાવ્યું કે તત્કાલ સુખની અપેક્ષાએ કુસંગ રૂપ ટૂંકા માર્ગે ચાલવાનું પ્રલોભન રહે છે જે અંતે વિકટ પ્રશ્નો લાવે છે. મોટાપુરૂષના વચન પાળવામાં તત્કાળ કાંઈ સુખ જણાતું નથી ઉલટું તે તન,મન, ધનથી કષ્ટરૂપ જણાય છે, પણ તે જ સમયાંતરે સુખ આપે છે.

પ્રવચનને અંતે પૂ. નારાયણમુનિદાસ સ્વામીએ શ્રોતાઓના પ્રશ્નોના જવાબ સંતોષકારક આપ્યા હતા. પ્રવચનના અંતમાં પ.ભ. શરદભાઈ રાવલે આગામી ૯૦મી પ્રવચનમાળાના ‘વ્યક્તિવિશેષ’ વિષયમાં ‘આદર્શ લોકનાયકઃ સ્વ. બાબુભાઈ જશભાઈ પટેલ’ ની રૂપરેખા આપી શાબ્દિક આભાર વિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.