નિસંતાન આર્મી દંપતીએ બાળક ૪ લાખમાં ખરીદ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Child.jpg)
વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ભાવનગરપુરામાં ગુમ થયેલુ ૭ દિવસનું નવજાત બાળક સાતમાં દિવસે બિહારથી મળી આવ્યું છે. બાળકને આર્મી પરિવારના નિઃસંતાન દંપતીને ૪ લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો છે.
પોલીસે આ કેસમાં ૬ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ૨૦ ઓક્ટોબરના રોજ રાતે માતા પોતાના પિતાના કાચા ઝુંપડામાં ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા. રાતે ૨ વાગ્યાની આસપાસ તેમણે પડખું ફેરવી હાથ ફેરવતા બાળક ત્યાં દેખાયુ ન હતુ. જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ બાળક ન મળતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે અને બાળક હાલ મળી ગયુ છે. આ અંગેની વિસ્તૃત માહિતી જાેઇએ તો, પાંચદેવલા-અબરમપુરારોડ પર આવેલા ભાવનગરપુરા ગામમાં માતાની સાથે ખાટલામાં ઊંઘતું સાત દિવસનું બાળક ૨૦મી ઓક્ટોબરે રહસ્યમયરીતે ગુમ થઇ ગયો હતુ.
જે બાદ પરિવારે બાળકને શોધ્યું તો પણ તેની ભાળ ક્યાંય મળી ન હતી. જેથી આ અંગેની વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે નવજાત બાળકને શોધવા માટે જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો અને વાઘોડિયા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસે વિવિધ મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પણસી ગામનો કલ્પેશ રમણસિંહ રાઠોડે કોઇ બાળકને વેચ્યું છે તેવી બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો.
આ અંગે ડીએસપી સુધીર દેસાઇએ જણાવ્યું હતું કે, બિહારના વતની પરંતુ દિલ્હીમાં ફરજ બજાવતા આર્મી જવાન નરેન્દ્રકુમાર રંજન અને તેની પત્નીને સંતાન નહી હોવાથી તેમણે સંતાનસુખ મેળવવા કલ્પેશનો સંપર્ક કર્યો હતો. નરેન્દ્રકુમારે આ માટે ૪ લાખ આપશે તેમ પણ કહ્યું હતું.
જેથી કલ્પેશે નાનું બાળક શોધવા માટે શોધ શરૂ કરી હતી. જેમા તે ફતેગંજ બ્રિજ નીચે રહેતા પ્રવિણ ભીમાભાઇ ચુનારા અને તેની પત્ની દક્ષાને મળીને આ આખી વાત જણાવી હતી. જે બાદ આ લોકોએ પણ તેની મદદ કરી હતી.
આ દરમિયાન દંપતીને જાણ થઇ કે, તેના સમાજના જ ભાવનગરપુરા ગામમાં રહેતી મહિલાએ પુત્રને જન્મ આપ્યો છે. જેથી કાળીદાસ અને તેના પુત્રએ પ્લાન બનાવી રાત્રે સાત દિવસના બાળકનું અપહરણ કરી પ્રવિણને આપ્યો હતો. બાદમાં પ્રવિણે કલ્પેશને બાળક સોંપતા કલ્પેશે બિહારમાં રહેતા આર્મી જવાન નરેન્દ્રનો સંપર્ક કર્યો હતો. જેથી નરેન્દ્ર વડોદરા આવી નવજાત બાળકને લઇ ગયો હતો.
આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉપરોક્ત તમામની ધરપકડ કરી લેવામા આવી છે. પોલીસે એક ટીમને બિહાર મોકલી આર્મી જવાન પાસેથી બાળકનો કબજાે મેળવી આર્મી જવાનને પણ ઝડપી પાડયો હતો. દંપતીને ૧૩ વર્ષનું લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ ન મળતા બે વખત આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, ક્યાંય સફળતા ન મળતા છેવટે બાળક મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો.SSS