નીતિશ કુમારે તેમના જ મંત્રીને અભિનંદન ન પાઠવ્યા

નવી દિલ્હી: મોદી સરકારના મંત્રી મંડળના વિસ્તરણ બાદ ભાજપના સહયોગી અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર નારાજ હોવાની અટકળો વેગ પકડી રહી છે.
મોદી સરકારના મંત્રીમંડળમાં સાથી પક્ષ જેડીયુના નેતા આરસીપી સિંહને કેબિનેટ મિનિસ્ટર બનાવાયા છે.તેમને સ્ટીલ મંત્રાલય આપવામાં આવ્યુ છે.ગુરુવારે તેમણે ચાર્જ પણ લઈ લીધો છે.આમ છતા બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે હજી સુધી તેમને અભિનંનદન આપ્યા નથી.જેડીયુમાં આરસીપી સિંહ નિતિશ કુમાર બાદ બીજા નંબરના નેતા મનાય છે.
નિતિશ કુમારના મૌનને લઈને જાત જાતની અટકળો થઈ રહી છે અને મોદી કેબિનેટમાં જેડીયુને માત્ર એક જ મંત્રાલય મળ્યુ હોવાથી નિતિશ કુમાર નારાજ હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.
જેડીયુને આશા હતી કે, મંત્રી મંડળમાં તેના ત્રણ નેતાઓને જગ્યા મળશે.૨૦૧૯માં પણ માત્ર એક જ બેઠક ઓફર કરાઈ હોવાથી જેડીયુએ મંત્રીમંડળમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો.આ વખતે પણ માત્ર એક જ મંત્રાલય ફાળવવામાં આવ્યુ હોવાથી નિતિશ કુમાર ફરી બેકફૂટ પર ધકેલાઈ ગયા હોવાનુ કહેવાય છે.
એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, નિતિશકુમાર પોતાની પાર્ટીના નેતા લલન સિંહને કેબિનેટમાં સ્થાન મળે તેમ ઈચ્છતા હતા અને સાથે સાથે તેમને ત્રણ બેઠકોની અપેક્ષા હતી.બીજી તરફ આરપીસી સિંહે પણ નીતિશ કુમારની વાતને મહત્વ નથી આપ્યુ અને તેનાથી પણ નિતિશ કુમાર નારાજ હોવાનુ કહેવાઈ રહ્યુ છે. બ્યુરોક્રેટ રહેલા આરસીપી સિંહ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.