નીરજ ચોપરા-મિતાલી રાજને મળ્યો ખેલ રત્ન
છેલ્લા ચાર વર્ષમાં રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવનારા ભારતીય ખેલાડીઓને આજે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકના ઉત્કૃષ્ઠ ખેલાડી નીરજ ચોપરા સહિત 11 ખેલાડીઓને 2021નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ એનાયત કરી રહ્યા છે.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય. વિશ્વનાથન આનંદને 1991માં પ્રથમ વખત આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડમાં મેડલ, પ્રશસ્તિપત્ર અને 25 લાખ રૂપિયા છે. ચાલો તમને આ ખેલાડીઓનો પરિચય કરાવીએ.
હરિયાણાના નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિક 2021માં એથ્લેટિક્સમાં દેશ માટે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ એથ્લિટ છે. તેણે ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજે ઇન્ટરનેશનલ લેવલ પર 6 મોટી ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યો છે. તેણે 2018માં જકાર્તા એશિયન ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ, 2017માં એશિયન ચેમ્પિયનશિપ, 2016માં સાઉથ એશિયન ગેમ્સ, 2016માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે તેણે 2016માં જૂનિયર એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે.
રવિ દહિયા મૂળ હરિયાણાનો છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલ કુમાર બાદ રવિ કુસ્તીની ફાઇનલમાં પહોંચનાર માત્ર બીજો ભારતીય બન્યો છે.
ફાઇનલમાં રવિ 57 કિગ્રા વજન વર્ગમાં બે વખતના વિશ્વ ચેમ્પિયન જાવુર યુગુયેવ સામે હારી ગયો હતો. આ પહેલા રવિએ 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે જ સમયે, તેણે 2020 અને 2021 એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 2018ની અંડર-23 ચેમ્પિયનશિપમાં રવિને સિલ્વર મેડલ મળ્યો હતો.
લવલીના બોર્ગોહેન આસામના ગોલાઘાટ જિલ્લાની છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2021માં 69 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સિંગમાં ભારત માટે મેડલ જીતનાર લવલિના એકંદરે ત્રીજી અને મહિલાઓમાં બીજી બોક્સર છે.
લવલીના પહેલા વિજેન્દર સિંહ (2008) અને મેરી કોમ (2012) મેડલ જીતી ચૂક્યા છે. લવલીનાએ 2018 અને 2019માં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ, દિલ્હીમાં આયોજિત પ્રથમ ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં સિલ્વર અને ગુવાહાટીમાં યોજાયેલી બીજી ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય તેણે 2017 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.