નેતાઓની રહેમનજર હેઠળ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો યુપીમાં 20 વર્ષથી આતંક
કાનપુરઃ ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મી શહીદ થઇ ગયા અને અન્ય 7 પોલીસકર્મી ઘાયલ થઇ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં ટોક ઓફ ધ નેશન બનેલા હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો યુપીમાં 20 વર્ષથી આતંક હતો. રાજકીય નેતોઓની રહેમનદર હોઠળ તેણે આતંકનું સામ્રાજય વધુ વિકસાવ્યું હતું. તેની ધાક એટલી હતી તે 2001માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવનાર સંતોષ શુક્લાની પોલીસ સ્ટેશનમાં ઘુસીને હત્યા કરી હતી. તે જેલમાં બંધ રહીને પણ હત્યાઓ સહિતના ગુનાઓને અંજામ આપતો હતો. પોલીસ તેને 60 જેટલા કેસ મામલે શોધી રહી હતી.
વિકાસ દુબે પર 60 જેટલાં ગુનાઓનો આરોપ છે. તેની પર 2001માં રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યાનો આરોપ છે. આ હત્યાકાંડને પોલીસ સ્ટેશનમાં ઘુસીને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યાકાંડનાં 16 વર્ષ બાદ વિકાસની લખનઉથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે લખનઉનાં કૃષ્ણાનગર વિસ્તારમાં વિકાસ પોતાની ફોઇનાં મકાનમાં રહેતો હતો. પરંતુ ગયા વર્ષે જ તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.
લખનઉની ધરપકડ બાદ બહાર આવતા જ વિકાસ દુબેએ એક વાર ફરી આતંક મચાવવાનું શરૂ કર્યું. 2019 ઓગસ્ટમાં પોલીસે તેને રસ્તાનાં ટેન્ડરને લઇને ધમકી આપવાનાં આરોપમાં ધરપકડ કરી હતી. દુબે વિકાસ પ્રધાન અને જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચૂકેલ છે. ચૌબેપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રનાં બિકરૂનાં રહેવાસી વિકાસ દુબેને કાનપુર પોલીસે 2017માં શિવરાજપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ ખતરનાક હુમલા સહિત અન્ય કલમો અંતર્ગત લગાવવામાં આવેલ કેસોમાં પણ તપાસ કરી રહી હતી.