નેતૃત્વ વિનાની કોંગ્રેસ પાર્ટી માટે ગુજરાતમાં “આપ” ખતરો બનશે
ભાજપ- કોંગ્રેસમાં ચિંતન કે ચિંતાની બેઠક-“આપ”ના પ્રવેશથી રાજકીય ક્ષેત્રે ગરમાવો
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી-કોંગ્રેસે તેના જવાબમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે
આપ ની સાથે સાથે મીમની એન્ટ્રી પણ નિશ્ચિતઃ ચુંટણી નજીક આવતા જ સામાજીક આગેવાનોએ નિવેદન બાજી શરૂ કરી
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીમાં સુરત મ્યુનિ. કોર્પો.ની ચુંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટીના દેખાવથી કેજરીવાલ ખુશ થયા હતા અને હવે તેમણે સમગ્ર ગુજરાત પર નજર દોડાવી છે.
જાેકે દિલ્હીના રાજકારણ અને ગુજરાતના રાજકારણમાં આસમાન જમીનનો તફાવત છે. ગુજરાતમાં આપ ના પ્રવેશથી રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં વિધાનસભાની તમામ ૧૮ર બેઠકો પર આપ ના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે જેનાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓ સક્રિય બની ગયા છે અને બંને પક્ષોની ચિંતન બેઠકો યોજાઈ રહી છે.
જાેકે આ ચિંતન બેઠકો કરતા ચિતા માટેની બેઠકો હોય તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. ભાજપ કરતા કોંગ્રેસને આપ ના પ્રવેશથી વધુ નુકસાન થશે નેતાગીરી વિનાની કોંગ્રેસ પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહયું છે. જાેકે ભાજપ પણ સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય યોગ્ય રીતે સંધાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ર૦રરમાં યોજાનારી ચુંટણીની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી આ અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગીથી લઈ વોર્ડ પ્રમુખો સુધીની પ્રક્રિયા આરંભી લેવાઈ છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે વિધાનસભાની ચુંટણીમાં વધુને વધુ બેઠકો મળે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપને ગુજરાતમાં નબળા વિપક્ષનો સંપુર્ણ ફાયદો મળશે. જાેકે કોરોના કાળના કારણે સત્તાધારી ભાજપ પર આક્ષેપો પણ થયા છે. જાેકે તે કેટલુ નુકશાન કરશે તે આવનાર સમય જ બતાવશે. પરંતુ આ પરિસ્થિતિને બાજુમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ ચુંટણી માટેની કવાયત તેજ કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સમગ્ર ગુજરાતનો પ્રવાસ ખેડી રહયા છે અને સરકાર દ્વારા પણ એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહયા છે.
ગુજરાતમાં મુખ્ય બે હરીફ પક્ષો મનાય છે ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ સિવાય મતદારોને ત્રીજાે વિકલ્પ મળતો ન હતો આ પરિસ્થિતિમાં થોડા દિવસ પહેલા જ આપ ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી કેજરીવાલે ગુજરાતમાં તમામ ૧૮ર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માટે જાહેરાત કરતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી જાેવા મળી હતી.
કેજરીવાલની આ જાહેરાત બાદ સ્થાનિક નેતાઓએ ઉમેદવારોની પસંદગી માટે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને આગેવાનો પર નજર દોડાવવાનું શરૂ કરી દીધું છે અને તેઓનો સંપર્ક પણ સાધવામાં આવી રહયો છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચુંટણીમાં પોતાનું જાેર બતાવવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સક્રિય બન્યા છે કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર આક્ષેપો કર્યાં હતાં.
કોંગ્રેસે તેના જવાબમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે અને તેનાથી ભાજપને હંમેશા ફાયદો થાય છે તેવું આડકતરુ નિવેદન કરવામાં આવ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં આપ ના આવવાથી કોંગ્રેસને સૌથી વધુ નુકશાન થશે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીમાં રાજયભરમાંથી કોંગ્રેસનો નબળો દેખાવ ચિંતાજનક હતો અને તેની જવાબદારી સ્વીકારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા ધાનાણીએ પોતાના રાજીનામા ધરી દીધા છે જાેકે દિલ્હીની નેતાગીરીએ હજુ પણ આ મુદ્દે નિર્ણય લઈ શકતી નથી કારણ કે પક્ષમાં રાષ્ટ્રીય નેતાગીરીનો અભાવ જાેવા મળી રહયો છે.
ટોચના નેતાઓ નેતાગીરીના મુદ્દે ચોંકાવનારા નિવેદનો કરી રહયા છે. આમ નેતૃત્વ વિનાની કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની ચુંટણીમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ નહી કરે તો સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણી જેવા જ હાલ થશે તેવુ રાજકીય નિરિક્ષકો માની રહયા છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષોએ કવાયત શરૂ કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે ખાસ કરીને ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સ્થાનિક મત વિસ્તારમાંથી સેન્સ લેવાની કામગીરી ખાનગીમાં શરૂ કરી દીધી છે. જયારે કોંગ્રેસમાં હજુ સુધી પા પા પગલી પણ કરવામાં આવી નથી.
કોંગ્રેસ ગુજરાતમાં પોતાનુ વજુદ બચાવવા માટેના પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ દ્વારા સબળ નેતૃત્વમાં જ ચુંટણી લડાય તો જ તેનું પરીણામ જાેવા મળશે. કોંગ્રેસમાં વર્ષોથી ચાલી આવતી આંતરિક જુથબંધી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીઓમાં પણ જાેવા મળી હતી દર વખતે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલતો હોય છે અને અંતિમક્ષણ સુધી ઉમેદવારોની પસંદગી ખાનગી રાખવામાં આવતી હોય છે આ પરિસ્થિતિ જાે વિધાનસભામાં પણ જાેવા મળશે તો પાર્ટીને મોટુ નુકસાન થશે તેવુ મનાઈ રહયું છે.
ગુજરાતમાં કોંગ્રેસને પુનઃ બેઠી કરવા માટે પ્રદેશ નેતાઓની તાકિદની એક બેઠક યોજાઈ હતી અને તેમાં પ્રજાની વચ્ચે જવા માટે સઘન ચર્ચા થઈ હતી કોંગ્રેસ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં કોંગ્રેસના નેતાઓ પ્રજા વચ્ચે જઈ શક્યા ન હતાં ત્યારે હવે કોરોનાના કેસો ઘટતા કોરોનાના મુદ્દે જ કોંગ્રેસ આંદોલન કરવાનંુ છે.
પ્રશ્ન એ છે કે આ આંદોલનને આમ જનતા કેટલો પ્રતિસાદ આપે છે તે જાેવાનું રહયું. વિધાનસભાની ચુંટણીપૂર્વે હવે વિવિધ સમાજના આગેવાનો પણ મેદાનમાં આવવા લાગ્યા છે. તાજેતરમાં જ પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને તેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતાં પાટીદાર સમાજને પ્રાધાન્ય આપવા માટે નેતાઓએ એક શુર સાથે વિચાર વ્યકત કર્યો હતો પરંતુ ચુંટણીપૂર્વે જ આ નેતાઓ કેમ જાગૃત થાય છે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહયો છે.
તાજેતરમાં જ અનામત આંદોલનમાં ભોગ બનેલા યુવાનોના પરિવારજનોની પાટીદાર નેતાઓએ ખબર પણ લીધી નથી તેવું મનાઈ રહયું છે ત્યારે આ આંદોલનના કેટલાક આગેવાનોએ રાજકીય માર્ગ અપનાવી લીધો છે તેથી ફરી એક વખત પાટીદાર નેતાઓએ પાટીદાર સમાજને રાજકીય હાથો બનાવવા માટે મેદાનમાં આવી ગયા છે. પાટીદાર નેતાઓની મળેલી બેઠક બાદ અન્ય સમાજના નેતાઓની પણ બેઠકો મળવા લાગી છે અને આપ ની ગુજરાતની નેતાગીરી આ તમામ બેઠકો પર નજર રાખી રહી છે.
ગુજરાતમાં આપ ના પ્રવેશથી રાજકીય ક્ષેત્રે થોડી ઘણી હલચલ જાેવા મળી રહી છે પરંતુ હજુ ઓવૈસીની પાર્ટી ‘મીમ’ ની એન્ટ્રી પણ નિશ્ચિત મનાઈ રહી છે તેના આગમનથી સંપુર્ણપણે કોંગ્રેસને નુકશાન થવાનુ છે જેના પરિણામે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ જાેવા મળી રહયો છે.
કોંગ્રેસ દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ કરવામાં નહી આવે તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડશે. જાેકે હાલમાં કોંગ્રેસે મજબુત નેતાગીરીની તાત્કાલિક જરૂરિયાત છે આ કામગીરી જેટલી ઝડપથી પુર્ણ થશે તેટલી ઝડપથી વિધાનસભાની ચુંટણીની કામગીરી આગળ વધશે તેવું કોંગ્રેસના માની રહયા છે.