નેત્રંગના આટખોલ ગામે પીવાના પાણી સમસ્યાને લઈને મહિલાઓનો હલ્લાબોલ
આવેદનપત્ર પાઠવી તાલુકા પંચાયત કચેરીએ માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો
“હાય રે સરપંચ હાય” અને “પાણી નહિ તો વોટ નહીં” ના નારા લાગ્યા.
(વિરલ રાણા) ભરૂચ, નેત્રંગ તાલુકામાં આવેલ આટખોલ ગામે છેલ્લા લગભગ ૧૮ વર્ષથી પીવાના પાણીની સમસ્યાઓને લઈને આટખોલ ગામની મહિલાઓએ નેત્રંગ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ.જ્યાં આવેદનપત્ર પાઠવી તાલુકા પંચાયત કચેરીએ માટલા ફોડી આક્રોશ વ્યક્ત કરી હાઈ રે સરપંચ હાઈ રે સરપંચના નારા લગાવ્યા હતાં.
નેત્રંગ ચાર રસ્તાથી આટખોલ ગામની મહિલાઓ માથે પાણીના માટલા અને સૂત્રોચ્ચાર સાથે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પોહચી તાલુકા વિકાસ અધિકારી તેમજ પાણી પુરવઠા વિભાગની કચેરીમાં માટલા ફોડી સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.તેમજ નેત્રંગ મામલતદાર કચેરીમાં પણ મામલતદારની ચેમ્બરમાં તેઓના ટેબલ પર માટલા મૂકી મહિલાઓને પડતી હાલાકીની રજુઆત કરવામાં આવી હતી.
મહિલાઓ દ્વારા જણાવ્યું હતુ કે વારંવાર રજૂઆતો બાદ પણ અધિકારીઓનાં પેટનું પાણી હાલતું નથી. સાથે જ્યાં સુધી પાણી ની સમસ્યાનું નિવારણ ન આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી. અને જ્યાં સુધી પાણી નહિ મળે ત્યાં સુધી આ જ રીતે કચેરીઓમાં વિરોધ કરશે તેમ જણાવ્યું હતું.
જ્યારે બીજી તરફ નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ સતત ઘેર હાજર રહે છે અને તેઓના પતિ વહીવટ કરતા હોવાનું લોકમાં ચર્ચાયું રહ્યું છે.પ્રજા ના પ્રશ્નો બાબતે અધિકારીઓને કોઈ પડી નથી. આવનારા સમયે તંત્ર દ્વારા કોઈ મદદ ન કરવામાં ન આવે તો જન આક્રોશ સાથે આંદોલન કરવાની ફરજ પડશે.