નેત્રંગની સરકારી કોલેજમાં જવાનો રસ્તો નહીં હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી : કાદવ-કિચડમાંથી જવા મજબુર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/03-8-1024x555.jpg)
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે સન ૨૦૦૧ની સાલમાં સરકારી વિનીયન અને વાણીજ્ય કોલેજ કાર્યરત થઈ હતી.જે સરકારી કોલેજ વર્ષો સુધી આદર્શ નિવાસી શાળાના ખંડેર મકાનમાં ચાલતી હતી.ત્યાર બાદ નેત્રંગ તાલુકા મથકે કરોડો રૂપિયાના ખર્ચે દિવ્ય ભવ્ય કોલેજનું સન ૨૦૧૪ની સાલમા નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં નેત્રંગ,ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તાર માંથી ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જીવના જોખમે મુસાફરી કરીને આવતા હોય છે.
હાલના સમયમાં નેત્રંગ કોલેજમાં અભ્યાસ અર્થે જવા માટે વિદ્યાર્થીઓને ખેતરાડી અને સુમસામ રસ્તા ઉપરથી જવાની મજબુરી બની જવા પામી છે.જેમાં ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓને રસ્તા ઉપર કાદવ-કિચડ થઈ જતાં ભારે હાલાકીનો અને લાંબા ચકરાવોનો સામનો કરવો પડતો હોય છે.
જેમાં કોલેજને જોડતા રસ્તા માટે ગામના જ ત્રણ ખેડુતોએ નેત્રંગ ગ્રામ પંચાયતમાં નોટરી કરી જમીન ફાળવી આપી છે.પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સમજી શકતા નથી અને રસ્તાના નિર્માણ માટે ઢીલું વલણ અપનાવતા કામગીરી આગળ ચાલતી નથી તેવું જાણવા મળ્યું છે.આગામી ટુંક સમયમાં જ કોલેજને જોડતા રસ્તાના નિર્માણની કામગીરી શરૂ થાય તેવી માંગ ઉઠી છે.