નેત્રંગ ચાર રસ્તા પર મેડીકલમાંથી પાર્સલ લેવા પતિપત્ની કારમાંથી ઉતરતા ૩.૩૬ લાખની ચીલ ઝડપ
સુરત પત્નીને મુકવા જતા રૂપનગર એસઆરપી કેમ્પ નજીક પહોંચતા લેડીઝ પર્સ યાદ આવ્યું.
પરત નેત્રંગ આવી એક દુકાન અને ચાર રસ્તા ઉપરના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ જીનબજારના એક મેડિકલ સ્ટોર ચલાવતો દુકાનદાર તેની પત્નીને સુરત સાસરીમાં મુકવા જતા પહેલા નેત્રંગ મોવી રોડ ઉપર દવાનું પાર્સલ લેવા તેની SX4 કાર લઈને ગયો હતો.કારમાંથી ઉતરી પતિ પત્ની પાર્સલ લેવા જતા પાછળથી કારમાં મુકેલ લાલ કલરનું લેડીઝ પર્સ કોઈ ચોર ઈસમ કારનો દરવાજો ખોલી લઈ જતા તેમાં મુકેલ રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ 3.36 લાખની ચિલઝડપ કરી નાસી છૂટ્યો હતો.આ બનાવની જાણ નેત્રંગથી ૧૫ કિમિ દૂર પહોંચતા થઈ હતી .પરત નેત્રંગ આવી એક દુકાન અને નેત્રંગ પોલીસ સ્ટેશનના ચાર રસ્તા ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં અજાણ્યો લબરમુછીયો ચોર ઈસમ અસ્પષ્ટ દેખાય આવતા તેની વિરુધ્ધ કાયદેસર ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરીહતી.
નેત્રંગ જીનબજારના પંચશીલ પાર્કમાં રહેતો વિરભદ્રસિંહ રાઠોડ શિવકૃપા મેડિકલ સ્ટોર ચલાવી રહ્યો છે.ગતરોજ તેની પત્ની વૈશાલીને લગ્નમાંથી પરત આવી સુરત અમરોલી કોસાડ ખાતે તેની સાસરીમાં મુકવા જતો હતો.સુરત જવાનું હોય તેની SX4 કાર જીજે ૦૬ ડિકયુ ૭૩૬૦ લઈ પતિ પત્ની નેત્રંગ મોવી રોડ ઉપર રાજ મોબાઈલની સામે કાર મૂકી અગ્રવાલ મેડિકલ એજન્સીમાં દવાનું પાર્સલ લેવા ઉતાવળમાં દરવાજાને લોક મારવાનું ભૂલી જતા રહ્યા હતા.અને તેની પત્ની વૈશાલીના હાથમાં રહેલ લાલ કલરનું પર્સ પણ હેન્ડબ્રેકની બાજુમાં ભૂલી ગઈ હતી.
દવાનું પાર્સલ લઈ કારમાં બેસી સુરત જવા નીકળી ગયા હતા.ત્યારે રૂપનગર એસઆરપી કેમ્પ નજીક પહોંચતા પર્સ યાદ આવતા કારમાં નહિ મળતા નેત્રંગ પરત આવી રાજ મોબાઈલની બાજુમાં આવેલ દુકાનના સીસીટીવી ચેક કરતા લીમડાનું ઝાડ આડું આવતા નેત્રંગ ચાર રસ્તા ઉપર પોલીસ સ્ટેશનના સીસીટીવી તપાસતા તેમાં કોઈ અજાણ્યો યુવાન જમણી બાજુનો દરવાજો ખોલી ગાડીમાં મુકેલ લેડીઝ પર્સ ઉઠાવી સફેદ કલરના પ્લાસ્ટીકના થેલામાં મૂકી જતો દેખાતો હતો.આ ચિલઝડપની તપાસ એન.જી.પાંચાણી નેત્રંગ પીએસઆઈ કરી રહ્યાં છે.
લાલ કલરના લેડીઝ પર્સમાં સોનાનું મંગળસૂત્ર ૬૩ હજાર ,સોનાની ચેઈન ૧.૧૨ લાખ ,સોનાની જેન્ટ્સ વીંટી ૩- ૨૦ હજાર ,સોનાની લેડીઝ વીંટી ૬-૨૭ હજાર ,સોનાની બુટી ૮-૩૬ હજાર ,સોનાના પેન્ડલ ૨ – ૨૩ હજાર અને ચાંદીના પાયલ ૨ -૫૬૦૦ મળી કુલ ઘરેણાં ૨.૮૭ લાખના અને રોકડા રૂપિયા ૪૯ હજાર મળી કુલ ૩.૩૬ લાખની ચિલઝડપ થઈ હતી.