નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Files Photo
પ્રતિનિધિ,ભરૂચ, ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં મેધરાજા હાથતાળી આપી જતાં ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.ખેતીમાં સિંચાઈ અને ધરતીપુત્રોને પીવાના પાણીની ભયંકર તંગી પડી રહી હતી.શેરડી,કપાસ,સોયાબીન જેવા પાક સિંચાઈના પાણીના અભાવે મરણપથારીએ પડેલા હતા.
ભારે ગરમી અને બફાળાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું.વહેલો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો મેઘરાજાને આજીજી કરવા મજબુર બન્યા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ રહેતા ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી હતી.
જેમાં ગતરાત્રી મેધરાજાની વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.છેલ્લા ૨૪ કલાકમાં ૩.૫૨ ઈંચ વરસાદ થયો હતો જ્યારે મૌસમનો કુલ ૨૪.૫૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.વરસાદ થવાથી મરણપથારી પડેલા પાકને જીવનદાન મળ્યું હતું.નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ ફોકડી ગામના સબ સ્ટેશન પાસે વીજળી પડ્યાના અહેવાલ મળ્યા છે.
કોઈ જાનહાની કે નુકસાન બાબતે જાણવા મળ્યું નથી.એકંદરે સરેરાશ વરસાદના પગલે ધરતીપુત્રોમાઆં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા ડેમના ઉપરવાસમાં ૬૨૧ એમએમ,પીંગોટના ઉપરવાસમાં ૫૫૦ એમએમ અને ધોલી ડેમના ઉપરવાસમાં ૪૧૧ એમએમ મૌસમનો કુલ વરસાદ થયો હતો.*