નેત્રંગ રેલવે સ્ટેશનની હદ અને જમીન ઉપર દબાણ કરનારાઓ સામે મેગા ડિમોલિશનની કાર્યવાહી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લામાં બુધવારે રેલવે તંત્રે ટ્રેન નહિ પણ મેગા બુલડોઝર ચલાવતા મહિલાઓના આક્રંદ, રૂદન અને રોષ વચ્ચે ૩૫૦ જેટલા મકાનો અને દુકાનો જમીનદોસ્ત કરી દેવાયા હતા.મહિલાઓના ભારે સુત્રોચ્ચારો વચ્ચે રેલવે જીઆરપી,આરપીએફ અને સ્થાનિક પોલીસને સાથે રાખી સવારથી જ ઓપરેશન મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતું.
નેત્રંગ રેલવે સ્ટેશનની હદમાં આવેલા ૩૬૭ થી વધુ મકાનો અને દુકાનો ઉપર બુધવારે મેગા ડીમોલેશન હાથ ધરાયુ હતું.અંકલેશ્વર રેલવે વિભાગની તપાસમાં હકીકત બહાર આવી હતી કે, નેત્રંગ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જમીનો ઉપર મોટા પાયે લોકોએ દબાણો ઉભા કરી દીધા હતા.
રેલવેની જમીન ઉપર મકાનો અને દુકાનો ઉભા કરી દેનાર દબાનકર્તાઓને જાતે જ ખસી જવા નોટિસ આપી તાકીદ પણ કરાઈ હતી. જાેકે તેઓ નહિ હટતા બુધવારે સવારે ૧૦ કલાકથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઈ હતી.જાેકે ૧૭ દબાનકર્તાના કેસ ચાલી રહ્યા હોય તેને છોડી ૩૫૦ જેટલા દબાણોનો સફાયો બોલાવવા રેલવે,
આર.પી.એફ. અને સ્થાનિક પોલીસ સાથે મળી મેગા ડિમોલિશન બુલડોઝરથી આરંભ્યું હતું. નેત્રંગ ટાઉનમાં આવેલ જવાહર બજાર,ગાંધી બજાર સહિતના વિસ્તારોમાં રેલવેની હદમાં ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બાંધી વર્ષોથી દબાણ કરી ઘર કરી ગયેલા દબાણ કર્તાઓ સામે તંત્રએ લાલઆંખ કરી તમામ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરતાં
લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ છવાયો હતો.રેલવે વિભાગના અધિકારીઓએ આર.પી.એફ. તેમજ સ્થાનિક પોલીસના કાફલાને સાથે રાખી રેલવેની હદમાં આવતા તમામ દબાણોને જે.સી.બી વડે તોડી પાડવાની કામગીરી શરૂ કરતા જ સ્થાનિકોના ટોળા સ્થળ ઉપર જામ્યા હતાં.
બીજી બાજુ રેલવે વિભાગની કામગીરી સામે સ્થાનિકોએ નેત્રંગ ગ્રામ પંચાયત બહાર ભેગા થઇ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. મામલો બિચકતા પંચાયત બહાર હોબાળો થતા પોલીસની સમજાવટ બાદ સ્થિતી નિયંત્રણમાં આવી હતી.૩૫૦ થી વધુ દુકાનો અને
મકાનોના દબાણોને તંત્ર એ દૂર કરવાની કામગીરી કરતા જ વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરિવારને પોતાનો આશિયાનો છોડવાનો વારો આવ્યો છે. મહિલાઓએ આંસુ અને આક્રોશ સાથે બળાપો કાઢ્યો હતો કે રમઝાન આવવાના છે,અમે અમારા નાના નાના બચ્ચાઓને લઈને હવે ક્યાં જઈશું. ઘર સામે ઘરની વ્યવસ્થા હવે તંત્ર જ કરી આપે તેવી માંગ સાથે સ્થળ પર ભારે સુત્રોચ્ચારો પણ કરાયા હતા.