નેપાળથી અપહૃત બે બાળકો પટણામાં મળ્યા, બંનેને કેફી દ્રવ્ય સુંઘાડવામાં આવેલું

પટણા, નેપાળના વીરગંજ વિસ્તારનાં બે બાળકોનું અપહરણ કરીને અસામાજિક તત્ત્વો એમને બિહારના પાટનગર પટણામાં લાવ્યા હતા.
બેમાંના એક બાળકના પિતા નેપાળમાં હૉટલ ચલાવે છે. બીજાના પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પટણામાં મીઠાપુર બસ સ્ટેન્ડ પાસે આ બંને બાળકો અપહરણકર્તાઓના હાથમાંથી છટકીને જક્કનપુર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. બંને બાળકો નશાની અસરમાં હતા. તેમણે પોલીસને કહ્યું કે અમને કોઇ નશાકારક ઔષધિ સુંઘાડવામાં આવી હતી.
આ બાળકોએ પોલીસને જણાવ્યા મુજબ શનિવારે સવારે એ બંને કોચિંગ ક્લાસમાં જવા નીકળ્યા હતા. પિક અપ વાનમાં આવેલા ચાર ગુંડાઓએ તેમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ એમને વીરગંજથી પટણા લાવ્યા હતા.
પટણાના મીઠાપુર બસ સ્ટેન્ડ પર ગુંડાઓ જમવા બેઠા હતા ત્યારે આ બંને બાળકો કોઇ રીતે છટકી ગયાં હતાં અને પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. પટણા પોલીસે તરત વીરગંજ પોલીસને આ બાળકોની જાણ કરી હતી. હવે બંને બાળકોને લેવા માટે તેમના કુટુંબીજનો પટણા આવી રહ્યા હતા.
પોલીસે આપેલી માહિતી મુજબ નેપાળના વીરગંજ વિસ્તારમાં રહેતાં આ બંને બાળકો રોજ સાથે કોચિંગ ક્લાસમાં જાય છે. શનિવારે સવારે બંને સાઇકલ પર કોંચિંગ ક્લાસ તરફ જઇ રહ્યા હતા ત્યારે પિક અપ વાનમાં આવેલા ચાર જણે તેમનું અપહરણ કરી લીધું હતું.
રવિવારે સાંજે બંને બાળકો પટણાના મીઠાપુર આંતરરાષ્ટ્રીય બસ સ્ટેન્ડ પર હતા ત્યારે અપહરણકર્તા જમવા રોકાયા હતા. એ સમયે બંને બાળકો લાગ જોઇને છટક્યા હતા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મીઠાપુર બસ સ્ટેન્ડ જક્કનપુર પોલીસની હદમાં આવે છે.
આરોપીઓને ઝડપી લેવા પોલીસ ઠેર ઠેર લગાડેલા સીસીટીવીની મદદથી બાળકોને સાથે લઇને તપાસ કરી રહી હતી. 12 અને 13 વર્ષના આ બંને ટીનેજર્સ છઠ્ઠા ધોરણમાં સાથે બણે છે. બંને પર બેહોશીની અસર હોવાથી પોલીસ વધુ કોઇ માહિતી તેમની પાસેથી મેળવી શકી નહોતી.