નેપાળ સરકારે એકવાર ફરીથી દોહરાવ્યું કે લિમ્પિયાધુરા, લીપુલેખ અને કાલાપાની દેશના અભિન્ન અંગ છે
કાઠમંડુ, નેપાળ સરકારે રવિવારે એકવાર ફરીથી દોહરાવ્યું કે લિમ્પિયાધુરા, લીપુલેખ અને કાલાપાની દેશના અભિન્ન અંગ છે અને ભારતને અપીલ કરી કે વિસ્તારમાં તમામ નિર્માણ ગતિવિધિઓ બંધ કરી દે. આ સાથે જ કહ્યું કે તે કૂટનીતિ દ્વારા સરહદના મુદ્દાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા એક નિવેદન બહાર પાડ્યાના એક દિવસ બાદ આ ટિપ્પણી આવી છે. અત્રે જણાવવાનું કે ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે નેપાળ સાથે સરહદને લઈને ભારતનું વલણ સર્વવિદિત, સુસંગત અને સ્પષ્ટ છે. આ અંગે નેપાળ સરકારને જણાવી દેવાયું છે.
સંચાર તથા સૂચના અને પ્રસારણ મંત્રી જ્ઞાનેન્દ્ર બહાદુર કર્કીએ રવિવારે કહ્યું કે નેપાળ સરકાર એ તથ્યને લઈને દ્રઢ અને સ્પષ્ટ છે કે મહાકાલી નદીની પૂર્વમાં આવેલા લીપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારો નેપાળના અભિન્ન અંગ છે.
નેપાળ સરકારના પ્રવક્તા કર્કીએ કહ્યું કે નેપાળની સરકાર ભારત સરકારને અપીલ કરે છે કે તે નેપાળી વિસ્તારમાંથી પસાર થનારા રસ્તાઓનું નિર્માણ અને વિસ્તાર જેવા તમામ એક તરફી કામો બંધ કરે. મંત્રીએ કહ્યું કે નેપાળની સરકાર બંને દેશો વચ્ચે સરહદ વિવાદનું સમાધાન ઐતિહાસિક સંધિ, સમજૂતિ, દસ્તાવેજાે અને નક્શા તથા નેપાળ અને ભારત વચ્ચેના નીકટના તથા મિત્રતાપૂર્ણ સંબંધો પ્રમાણે કરવા માટે પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે લીપુલેખમાં ભારત સરકાર દ્વારા રસ્તા નિર્માણ વિરુદ્ધ નેપાળમાં પ્રદર્શન વચ્ચે તેમની આ ટિપ્પણી આવી છે. સત્તાધારી નેપાળી કોંગ્રેસે શુક્રવારે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેણે લીપુલેખમાંથી થઈને રસ્તા નિર્માણના કામનો વિરોધ કર્યો હતો.HS