નેશનલ વેઈટલિફ્ટિંગની ખેલાડીને નોકરીના બહાને પોલીસ અધિકારીએ શોષણ કર્યું
લુધિયાણા: પંજાબના લુધિયાણા ખાતેથી દુષ્કર્મની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોલીસ અધિકારી પર નોકરી અપાવવાના બહાને લાંબા સમય સુધી તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ઓફિસર પર લાગેલા આ ગંભીર આરોપો બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
પીડિતા નેશનલ વેટલિફ્ટિંગની ખેલાડી છે અને તેણે પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે. વરિષ્ઠ અધિકારીએ આ કેસની ગંભીરતાથી તપાસ કરવા કહ્યું હતું. મહિલા નેશનલ વેટલિફ્ટિંગ ખેલાડીએ પોલીસ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો તેને લઈ ભારે હડકંપ મચ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે પોલીસ ઓફિસરે તેને સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરીની લાલચ આપી હતી. તેઓ નોકરીના બહાને તેને વારંવાર ખાનગી હોટેલમાં બોલાવતા હતા અને તેનું શોષણ કરતા હતા.
પીડિતાના કહેવા પ્રમાણે પોલીસ ઓફિસરે તેનો એક અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને તેના દ્વારા તેઓ તેને બ્લેકમેલ કરીને વારંવાર શારીરિક શોષણ કરતા હતા. મહિલાને જ્યારે પોલીસ ઓફિસર ખોટું બોલે છે તેવી ખબર પડી ત્યારે તેણે વિરોધ કર્યો હતો અને તે સમયે ઓફિસરે તેને અશ્લીલ વીડિયો બતાવીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી.પોલીસ કમિશનરે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક મહિલા અધિકારીને નિયુક્ત કર્યા છે અને સમગ્ર કેસની તપાસ માટે આદેશ આપ્યો છે.