નેશનલ હાઇવે પર ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા પરિવારના ૫ લોકોના મોત

વડોદરા, રવિવારની મોડી રાતે જામ્બુવાથી તરસાલી તરફ નેશનલ હાઇવે પર રોડની સાઇડમાં ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પટેલ પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા છે.
જ્યારે ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. આ કરૂણ અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર એટલી ધડાકાભેર અથડાઇ હતી કે, અકસ્માત બાદ મૃતદેહને કાઢવા માટે ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રવિવારની રાત પટેલ પરિવાર માટે ગોઝારી સાબિત થઇ છે.
મોડી રાત્રે નેશનલ હાઇવે પર જામ્બુવાથી તરસાલી તરફ જઇ રહેલી કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ અથડાઇ હતી. કાર પાછળથી અથડતા તેમા બેઠેલા એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ચાર વર્ષની દીકરી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે.
રાજ્યમાં અન્ય એક અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. ખેડાની નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. ટ્રક અને લાકડા ભરેલા ટ્રેકટર વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
લાકડા ભરેલા ટ્રેકટરની પાછળ ટ્રક અથડાતા અક્સ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરની પાછળ ટ્રક ચાલકે ટક્કર મારતાં લાકડા ભરેલ ટ્રેક્ટર હાઇવે પર પલ્ટી મારી ગયું હતું. જે બાદ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ હતી.
મૃતકોના નામ પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ભૂમિકાબેન પટેલ, લવ પટેલ છે. જ્યારે ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો હતો જેનું નામ અસ્મિતા પટેલ છે. બનાવની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.SS1MS