નેહા-રોહનપ્રીત દુબઈની આલિશાન હોટેલમાં રોકાયા
મુંબઈ: લગ્ન અને રિસેપ્શન પતાવીને બોલિવુડ સિંગર નેહા કક્કર અને તેનો પતિ રોહનપ્રીત સિંહ હનીમૂન માટે દુબઈ ઉપડી ગયા હતા. કપલ લગભગ છેલ્લા ૧૦ દિવસથી દુબઈમાં છે અને તેમણે દિવાળી પણ અહીં જ સેલિબ્રેટ કરી હતી. નેહા અને રોહનપ્રીત પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હનીમૂનની સુંદર તસવીરો શેર કરી રહ્યા છે. જો કે, કપલ જે હોટેલમાં રોકાયું છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નેહા અને રોહનપ્રીત દુબઈની એક લક્ઝુરિયસ હોટેલમાં રોકાયા છે અને અહીં એક રાત રોકાવાનું ભાડું આશરે ૯૦,૦૦૦ રૂપિયા છે.
નેહાની તસવીરો પરથી લાગી રહ્યું છે કે તેઓ સ્વીટમાં રોકાયા છે. ત્યારે તેમના આ રોકાણનો ખર્ચ પણ વધારે હશે. સિંગરની પોપ્યુલારિટીને જોતાં તેમને અહીં ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ આલિશાન અને ખૂબસૂરત હોટેલમાં નવપરિણીત દંપતી ખૂબ સારો સમય વિતાવી રહ્યું છે. આ હોટેલમાં નેહા અને રોહનપ્રીતના સ્વાગત માટે રૂમને ખૂબસૂરત રીતે સજાવાયો હતો. સાથે જ હોટેલના શેફે તેમના માટે સ્પેશિયલ ડિશ તૈયાર કરી હતી. હોટેલમાંથી નેહા અને રોહનપ્રીત રોજેરોજ જે તસવીરો શેર કરી રહ્યા છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે
તેમનું રોકાણ કેટલું શાહી છે. હાલમાં જ નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં રોહનપ્રીત અને તે દરિયાકિનારે રોમાન્ટિક સમય વિતાવી રહ્યા છે. રોહનપ્રીતે રેતી પર નેહા માટે સુંદર રીતે આઈ લવ યુ લખ્યું હતું. જણાવી દઈએ કે, નેહા અને પંજાબી સિંગર રોહનપ્રીત સિંહે ૨૪ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા. પીઠીથી શરૂ થયેલા લગ્નપ્રસંગો ચંડીગઢમાં યોજાયેલા રિસેપ્શન પર પૂરા થયા હતા. રોહનપ્રીત અને તેના પરિવારે નેહાના સ્વાગત માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રોહનપ્રીત અને નેહાની મુલાકાત લોકડાઉન દરમિયાન એક ગીતના શૂટિંગ વખતે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને ઓક્ટોબરમાં તો તેઓ પતિ-પત્ની પણ બની ગયા.