નોઇડામાં લેમ્બોર્ગિનીએ બે કામદારોને કચડ્યા

કારની ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન અકસ્માત સર્જાયો
આ મામલે ખરાબ ડ્રાઈવિંગ અને હાઇ-પરફોર્મન્સ વાહનોની સલામતી પર ચિંતાઓ ઉભી થઈ છે
નોઇડા,
નોઇડામાં એક લેમ્બોર્ગિની કારની ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન અકસ્માત સર્જાયો છે. જેમાં ડ્રાઈવર દીપક કુમાર કાર પર કાબૂ ગુમાવતા બે કડીયા કામદારો ઘાયલ થયા હતા. દીપક અજમેરનાં કાર ડિલર છે, જે નોઇડાના યૂટ્યુબર મૃદુલની કાર ટેસ્ટ કરવા માટે આવ્યો હતો. તેની આ ઘટનામાં અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના નોઇડાનાં સેક્ટર ૯૪માં રવિવારે સાંજે બની હતી. આ મામલે ખરાબ ડ્રાઈવિંગ અને હાઇ-પરફોર્મન્સ વાહનોની સલામતી પર ચિંતાઓ ઉભી થઈ છે. નોઇડા પોલિસના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ દીપક કારમાં એકલો હતો ત્યારે તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રવિવારે સવારે કારની ટેસ્ટ ડ્રાઇવ માટે નોઈડા આવ્યો હતો.
તેણે કારને ટેસ્ટ ડ્રાઈવ માટે બહાર કાઢી હતી અને થોડી ખરીદી પણ કરી હતી. જ્યારે તે કાર તેના માલિકને પરત કરવા પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો અને ફૂટપાથ પર બેઠેલા બાંધકામ કામદારો તરફ કાર ધસી ગઈ હતી. આ ઘટનામાં બે કામદારોને હાથ અને પગમાં ઈજા થઈ હતી જ્યારે બે અન્ય લોકો અકસ્માતમાં બચી ગયા હતા. પોલિસ આ મુદ્દે ડ્રાઇવરની વધુ તપાસ કરી રહી છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે રાહદારી પૂછી રહ્યો છે, “શું તમે સ્ટંટ કરી રહ્યા છો?” ડ્રાઈવર બેફામ જવાબ આપે છે, “કોઈ મરી ગયું શું?”. ત્યારબાદ પસાર થનાર વ્યક્તિ અન્ય લોકોને પોલીસ બોલાવવાનું કહે છે.સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશનની એક ટીમે દીપકને કસ્ટડીમાં લીધો હતો અને તેની સામે બીએનએસની કલમ ૨૮૧ (બેફામ વાહન ચલાવવા) અને ૧૨૫ (એ) (અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકતા કૃત્ય દ્વારા ઇજા પહોંચાડવી) હેઠળ એફઆઈઆર નોંધી હતી. કાર પણ જપ્ત કરવામાં આવી હતી.