નોઈડામાં કાર ચાલકે ટ્રાફિક પોલીસનું કિડનેપિંગ કર્યું
નોઈડા, ગ્રેટર નોઈડામાં સામાન્ય દિવસની જેમ જ ચેકીંગ કરી રહેલ ટ્રાફિક પોલીસ સાથે આશ્ચર્યજનક ઘટના બની હતી અને આ કારણે સમગ્ર ગ્રેટર નોઈડા પોલીસ બેડામાં ચર્ચાઓ જાગી હતી. ચોરીની કાર લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હોવાની માહિતી મળતા ટ્રાફિક પોલીસના સઘન ચેકીંગ દરમિયાન એક કારને રોકી હતી અને પછી જે બન્યું તે ખૂબ જ વિચિત્ર હતું.
ટ્રાફિક પોલીસે કારને રોકીને પૂછપરછ કરતા, આ શખ્સે પોલીસ કર્મચારીને કાગળ જોવા માટે ગાડીમાં બોલાવ્યો હતો અને ત્યારબાદ, કારના ડોર લોક કરીને ટ્રાફિક કર્મચારીને 12 કિલોમીટર દૂર, ચેક પોસ્ટ આગળ ઉતારી દીધો હતો. આ ઘટનાનો ભોગ બનનાર પોલીસ કર્મચારી પણ આ ઘટનાથી ચોંકી ઉઠ્યો હતો. તેણે તાત્કાલિક ધોરણે હેલ્પલાઈન નંબર 112 નો સંપર્ક કરતા પોલીસે આ શખ્સને ઝડપી પડ્યો હતો.
હકીકતમાં આ શખ્સે 2 વર્ષ પહેલા એક શો રૂમમાંથી ટેસ્ટ ડ્રાઈવના બહાને આ કાર ચોરી હતી અને તેના વિશે બાતમી માલ્ટા ગ્રેટર નોઈડા પોલીસે ચેકીંગ ગોઠવ્યું હતું. પરંતુ, આ શખ્સનો કીમિયો પણ કારગત નીવડ્યો ન હતો. પોલીસે તેની ધરપકડ કરી. તેની સામે અપહરણ, પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર સહિતની કલમ લગાવીને ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં વપરાયેલી કારને પણ ઝપ્ત કરી હતી.