નોકરીથી કાઢી મૂકતા યુવકોએ મેનેજર-સુપરવાઇઝરને ફટકાર્યાં
પાર્સલ પહોંચાડવામાં બેદરકારી દાખવવા બદલ બંને આરોપી યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા
ગ્વાલિયર: ગ્વાલિયરમાં કુરિયર કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલા બે યુવકોએ ઓફિસમાં ઘુસીને બબાલ કરી હતી. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા બે યુવકો પોતાના બીજા મિત્રો સાથે ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં હાજર મેનેજર અને સુપરવાઇઝરને માર માર્યો હતો. જે બાદમાં ઓફિસ બહાર આવીને કટ્ટામાંથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ આખો બનાવ ઓફિસની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. બબાલ કર્યા બાદ તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે મુરારા પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મુરારની મિલિટ્રી હૉસ્પિટલ ચોક પાસે મોટી બબાલ થઈ હતી. અહીં એક ખાનગી કુરિયર કંપનીમાં મેનેજર અનૂપ રાજાવત અને સુપરવાઇઝર મુરારી કુશવાહા બેઠા હતા. આ દરમિયાન આઠથી ૧૦ યુવકો ઓફિસમાં ધસી આવ્યા હતા. તમામ લોકોએ બંને સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. હુમલા બાદ હુમલાખોરો બહાર નીકળી ગયા હતા અને બહાર આવીને કટ્ટામાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
મેનેજર અનૂપ રાજાવતના કહેવા પ્રમાણે હુમલો કરનાર વ્યક્તિઓમાં નીરજ રાણા અને આદિત્ય રાણા શામેલ છે. આ બંનેને પાર્સલ પહોંચાડવામાં બેદરકારી દાખવવા બદલ ત્રણ દિવસ પહેલા જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ કારણ બંનેએ પોતાના મિત્રો સાથે મળીને હુમલો કર્યો હતો.
મારપીટ અને હવામાં થયેલા ફાયરિંગનો આ બનાવ ઓફિસની અંદર અને બહાર ચોક પર લાગેલા સીસીટીવી કેમેરામાં માં કેદ થઈ ગયો છે. ઓફિસની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં મેનેજર અને સુપરવાઇઝર સાથે મારપીટ કરતા નીરજ રાણા અને આદિત્ય રાણા કેદ થયા છે. આ ઉપરાંત હુમલાખોરો બહાર ચોકમાં આવીને હવામાં ફાયરિંગ કરતા પણ નજરે પડે છે.
આ દરમિયાન ઓફિસ બહાર ઊભેલા કેટલાક વાહનોને પણ તેઓએ નીચે પાડી દીધા હતા. સીસીટીવીમાં હુમલો કરનાર કુલ ૧૩ યુવક કેદ થયા છે. હુમલાખોરો ગયાના આશરે અડધા કલાક પછી મારપીટનો શિકાર બનેલા મેનેજર અનૂપ અને સુપરવાઇઝર મુરારીએ કર્મચારીઓ સાથે મળીને મુરાર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. બંનેએ આરોપી નીરજ અને આદિત્ય રાણા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસ હાલ આરોપીઓને શોધી રહી છે.