Western Times News

Gujarati News

નોકરીયાત વર્ગોને રાહતઃ આયકરના દર ઘટાડાયા

બેંકની ફિક્સ ડિપોઝીટ પર ઈન્સુયરન્સ કવરેજ ૧ લાખથી વધારી ૫ લાખ કરાયુંઃ જી૨૦ સમિટનું યજમાન ભારત બનશે  : ૨૦૨૦-૨૧ના વર્ષમાં વિકાસ દર ૧૦ ટકા હાંસલ કરવાનું લક્ષ્યાંકઃ સરકારનો ખર્ચ આ વર્ષે ૩૦.૪૨ લાખ કરોડ રહેવાનો અંદાજ

નવી દિલ્હી: કરવેરાની દરખાસ્ત રજૂ કરતાં નાણાંમંત્રી સિતારમને મધ્યમ અને નોકરીયાત વર્ગોને ટેક્સમાં છૂટછાટો જાહેર કરી છે. આયકરની દરખાસ્તો પાલન સરળતા લાવશે. નિર્મલા સીતારામન કહે છે કે નવી વ્યક્તિગત આવક વેરા ઘટાડવામાં આવશે.  પ્રવર્તમાન ૨૦ ટકાના દરે ૫ લાખથી ૧૦ લાખ આવક પર ફક્ત ૧૦ ટકાનો કર વસૂલવામાં આવશે.

૭.૫ લાખ-૧૦ લાખ રૂપિયાની આવકથી, ૨૦ ટકાના પ્રવર્તમાન દરની સામે ૧૫ ટકાનો વેરો દર. અને ૧૦-૧૨.૫ લાખ રૂપિયાની આવક માટે, અગાઉના ૩૦ ટકાની તુલનામાં ૨૦ ટકાનો દર. તેમજ રૂપિયા ૧૨.૫ લાખથી ૧૫ લાખની આવક પર ૩૦ ટકાની તુલનામાં ૨૫ ટકા જેટલો કર લાગશે.  ૧૫ લાખ રૂપિયા ઉપરાંતની આવક પર ટેક્સ ૩૦ ટકા રહેશે.

દેશભરમાં આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ ર૦-ર૧નું બજેટ રજુ કરી ૧૬ જેટલા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને સરકારી યોજનાઓનું વિસ્તાર કરવા ઉપરાંત છેવાડાના નાગરિક સુધી તેનો લાભ પહોંચે તે માટેનું ઈન્ફાસ્ટ્રકચર વધુ મજબુત બનાવવાની ખાતરી આપી હતી.

દેશમાં જીએસટી લાગુ થયા બાદ પ્રત્યેક પરિવારના ઘરેલુ ખર્ચમાં ૪ ટકાનો ઘટાડો થયો છે આ ઉપરાંત દેશમાં ર૮૪ બિલીયન ડોલરનું વિદેશી રોકાણ થયું છે. વર્તમાન સરકારે મોંઘવારી પર કાબુ મેળવી લીધો છે અને આગામી દિવસોમાં દેશ વધુ વિકાસના પંથે આગળ વધશે તેવું જણાવ્યું હતું.

કેન્દ્રમાં મોદી સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે બજેટની કોપી લઈ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કાવિદને મળવા પહોચ્યા હતા અને ત્યાં તેમણે બજેટની કોપી સુપ્રત કરતા રાષ્ટ્રપતિએ બજેટ પર મંજુરીની મહોર મારી હતી રાષ્ટ્રપતિની મંજુરી મળતા જ નિર્મલા સીતારમણ તથા અનુરાગ ઠાકુર બજેટની કોપી લઈ સીધા જ સંસદ ભવન પહોંચ્યા હતાં જયાં કેન્દ્રીય કેબીનેટની બેઠક મળી હતી.

જેમાં ર૦-ર૧ વર્ષના બજેટને મંજુર કરવામાં આવ્યું હતું. સંસદમાં ૧૧ વાગ્યે સત્ર શરૂ થતાં જ નિર્મલા સીતારમણે બજેટ રજુ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે દેશની જનતાએ વર્તમાન એનડીએ સરકાર પર બીજી વખત ભરોસો મુકી સ્પષ્ટ બહુમતી આપી છે અને અમારી સરકાર લોકોના વિશ્વાસને ટકાવી રાખવામાં પણ સફળ થઈ છે.

જીએસટીના અમલ માટે મહત્વપૂર્ણ કામગીરી કરનાર પૂર્વ નાણાંમંત્રી સ્વ. અરૂણ જેટલીને તેમણે શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે દેશભરમાં જીએસટી લાગુ થતાં સામાન્ય નાગરિકોને મોટો લાભ થયો છે. જીએસટીથી ઘરેલુ ખર્ચમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત કોમોડીટીના ભાવો પણ ઘટયા છે અને ઈન્સ્પેકટર રાજ પણ ખતમ કરી દેવામાં આવ્યું છે.


જીએસટીના અમલ બાદ તથા કેન્દ્ર સરકારની પારર્દશિકતાના કારણે ૬૦ લાખ નવા કરદાતાઓ ઉમેરાયા છે જેના પગલે આ વર્ષે જીએસટીની સૌથી વધુ આવક સરકારને થઈ છે. મોદી સરકારે સબ કા સાથ સબકા વિકાસના સુત્રને સાર્થક કર્યું છે. ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. બેઘરોને ઘર આપવામાં આવ્યા છે અને ર૭ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

વર્ષ ર૦૦૯-૧૪માં મોંઘવારીનો દર ૧૦ ટકા હતો જે અમારી સરકારે ઘટાડયો છે. કેન્દ્ર સરકારે આરોગ્ય, શિક્ષણ અને રોજગારી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કૃષિ ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ખેડૂતોની આવક ર૦-રર સુધીમાં બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને ૬.૧૧ કરોડ ખેડૂતો વડાપ્રધાન વીમા યોજનામાં જાડાયેલા છે. ર૦-ર૧નું બજેટ ૧૬ એકશન પ્લાન પોઈન્ટ પર તૈયાર કરવામાં આવ્યું છે. ર૦-રપના વર્ષ સુધીમાં દેશમાં દુધનું ઉત્પાદન બમણું કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ર૦ લાખ ખેડૂતોને સોલાર પંપ સેટ આપવામાં આવશે અને આ યોજનાનું નામ કુસુમ રાખવામાં આવ્યું છે આ ઉપરાંત દેશના ૧૦૦ જેટલા જિલ્લાઓમાં પાણીની અછત છે આ જિલ્લાઓમાં બંજર જમીન પર સોલાર પંપ સેટ મુકવામાં આવશે. આ ઉપરાંત કિસાન રેલ અને ઉડાનનો પણ પ્રારંભ કરવામાં આવશે આમ કિસાનો માટે હવે ખાસ ટ્રેનો દોડતી થશે સાથે સાથે ગ્રામ પંચાયતના સ્તરે જ ખેડૂતો માટે ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવશે.

વડાપ્રધાન ફસલ યોજના અંતર્ગત ૧પ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેતી ગ્રામીણ વિકાસ માટે ૩ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ માટે પણ સરકાર પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરી રહી છે.

આરોગ્ય ક્ષેત્ર માટે તેમણે જણાવ્યું હતું કે ટીબી સહિતની ગંભીર બીમારીઓ માટે સરકાર સક્રિય છે તેમણે સંસદ ભવનમાં સુત્ર આપ્યુ હતું કે ટીબી હારેગા દેશ જીતેગા. ર૦-ર૪ સુધીમાં તમામ જિલ્લાઓમાં જન ઔષધ કેન્દ્રો શરૂ કરવામાં આવશે આ ઉપરાંત પીપીપીના ધોરણે  હોસ્પિટલો  બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય સેકટર માટે રૂ.૬૯ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે અને વડાપ્રધાનની આ યોજનામાં ૧ર જેટલા ગંભીર રોગોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ નીતિ અંગે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ બનાવી રહી છે અને તેની ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણને આવકારવામાં આવશે. આજે તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે ડીગ્રી કક્ષાનો ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર હાલ સ્ટડી ઈન ઈન્ડિયા  કાર્યક્રમ શરૂ કરી રહી છે અને ડીપ્લોમાં કોર્ષ માટે નવી ંસંસ્થાઓ શરૂ કરવામાં આવશે.

ઉદ્યોગ ક્ષેત્ર માટે તેમણે જાહેરાત કરી હતી કે દેશમાં ૯ હજાર કિ.મી. લાંબો ઔદ્યોગિક કોરીડોર બનાવવામાં આવશે જેમાં ૬પ૦૦ પ્રોજેકટોને જાડવામાં આવશે. રેલવે વિભાગ માટે તેમણે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ જણાવ્યા હતા ર૦-ર૩ના વર્ષ સુધીમાં મુંબઈ – દિલ્હી એકસપ્રેસ વે નું કામ પૂર્ણ કરી દેવાની જાહેરાત કરી હતી ટ્રેનોમાં આધુનિકરણ કરવામાં આવી રહયું છે.

તેજસ જેવી ટ્રેનોને પ્રવાસન સ્થળો સાથે જાડવામાં આવશે અને આગામી સમયમાં ૧પ૦ જેટલી પ્રાઈવેટ ટ્રેનો દોડાવવાનું આયોજન છે. રેલવેની ખાલી જગ્યાઓ પર સૌર ઉર્જા પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે. પ્રાયોગિક ધોરણે હાલ ૪ રેલવે સ્ટેશનો પીપીપીના ધોરણે વિકસાવવામાં આવશે તથા મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાનું આયોજન છે.

તેમણે ઉર્જા ક્ષેત્ર માટે કેટલીક મહત્વપુર્ણ જાહેરાતો કરી હતી દેશભરમાં તમામ ઘરોમાં ત્રણ વર્ષની અંદર સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ગ્રાહકોને પ્રીપેડ વીજ મીટર મારફતે વીજ કંપની પસંદગીનો વિકલ્પ પણ આપવામાં આવશે. અક્ષય ઉર્જા પ્રોજેકટ અંતર્ગત રર હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.