નોટબંધીને ૩ વર્ષઃ રાજકીય દુનિયામાં મુદ્દો હજુય જીવિત
નવી દિલ્હી, નોટબંધીને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેની અસર હવે દેખાઇ રહી નથી. જા કે ઉદ્યોગ અને કારોબારમાં રિક્વરી હજુ પણ થઇ રહી છે. સામાન્ય લોકોના દિલોદિમાગ પર હવે તેની અસર ઓછી રહી છે. પરંતુ રાજનેતાઓ આ મુદ્દાને વારંવાર ઉઠાવીને રાજકીય દાવપેચ કરતા રહે છે. લોકસભાની ચૂંટણીમાં જ નહીં બલ્કે હાલમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ નોટબંધીનો ઉપયોગ ભાજપની સામે કરવામાં આવ્યો હતો.
ભાજપ પર આ મુદ્દે પ્રહારો કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાને યુપીની કમાન સોંપવામાં આવી હતી. પ્રચાર દરમિયાન પ્રિયંકાએ નોટબંધીનો મુદ્દો જારશોરથી ઉઠાવ્યો હતો. નોટબંધી અને જીએસટી પર ચૂંટણી લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. તમામ લોકોને યાદ છે. આઠમી નવેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરીને દેશના લોકોને ચોંકાવી દીધા હતા. જેથી દેશમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. જેના કારણે એટીએમ પર લાંબી લાઇનો મહિનાઓ સુધી જોવા મળી હતી. એકબાજુ શાસક પક્ષે આને દેશહિતમાં નિર્ણય ગણાવ્યો હતો.
જ્યારે વિપક્ષે આની ટિકા કરી હતી. નોટબંધીના કારણે દેશમાં કાળા નાણાં બેંકોમાં પરત ફર્યા છે. સરકારની પાસે આજે તેમની માલિકીના નામ, સરનામા અને ચહેરા આવી ચુક્યા છે. ૨૩ લાખ બેંક ખાતામાં જમા કરવામાં આવેલી ૩.૬૮ લાખ કરોડની રકમ તપાસના ઘેરામાં છે. નોટબંધીના કારણે ત્રાસવાદ અને નક્સલવાદ પર પ્રહાર કરાયા હતા. તેમની કમર તુટી ગઇ છે. કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટના રોકાઇ ગઇ છે. નક્સલી ઘટનામાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. બનાવટી નોટ અને ડ્રગ્સના કારોબારની કમર તુટી ગઇ છે.
સેલ કંપનીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને વિડિયોમાં સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ગણાવીને તેની પ્રશંસા કરવામાં આવી છે. આના મારફતે ૨.૨૪ લાખ શેલ કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે જા નોટબંધી કરવામાં ન આવી હોત તો આજે ૧૮ લાખ કરોડની હાઇ વેલ્યુ કરેન્સી રહી હોત.સરકારે બેનામી સંપત્તિને લઇને પણ મોટી કાર્યવાહી કરી છે. ટેક્સ ચુકવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઓનલાઇન રિટર્ન ભરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. લેસકેશ ઇકોનોમીમાં તેજી આવી છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આંકડામાં ઉલ્લેખનીય વધારો થયો છે.
વિપક્ષના આરોપોને ફગાવી દઇને કહેવામાં આવ્યુ છે કે નોટબંધીના કારણે ગરીબોને તેમના હક મળી ગયા છે. પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. લોનના હપ્તા સસ્તા થઇ ગયા છે. ટેલિવિઝન સંબોધનમાં ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન મોદીએ આ ખુબ જ કઠોર નિર્ણય લઇને તમામને ચોંકાવી દીધા હતા. એ વખતે મોદીએ દાવો કર્યો હતો કે, સિસ્ટમમાંથી બ્લેકમનીને નાબૂદ કરીને આતંકવાદ અને ભ્રષ્ટાચારની કમર તોડી નાંખવા માટે નોટબંધી જરૂરી હતી. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ચલણમાંથી મોટાભાગની નોટ બહાર થઇ ગઇ હતી અને લોકોને મુશ્કેલી નડી હતી.
સરકારે અંદાજ મુક્યો હતો કે, ડિમોનિટાઇઝ બેંક નોટ પૈકી ૨૦ ટકા નોટ અથવા ત્રણ લાખ કરોડ નોટ સરક્યુલેશનમાંથી નિકળી જશે પરંતુ આરબીઆઈ તરફથી ૨૦૧૮માં જે અહેવાલ જારી કરાયો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ડિમોનિટાઇઝ બેંક નોટ પૈકી ૯૯.૩ ટકા અથવા તો ૧૫.૩૦ કરોડ નોટ ડિમોનિટાઇઝ થઇ હતી અને બેંકિંગ સિસ્ટમમાં જમા થઇ હતી. બેંક નોટ જે જમા થઇ ન હતી તેનો આંકડો ૧૦૭૨૦ કરોડ રહ્યો હતો.