નોનસ્ટિક વાસણો … ફાયદા અને ગેરફાયદા ….!!
આધુનિક સાજસજાવટ વાળા કિચનની કલ્પના માત્ર કરતાં આંખ સામે અલગ અલગ રંગના અને સુંદર આકારના નોનસ્ટિક વાસણો આવી જાય …! ઢોસા બનાવવા હોય કે ઑમલૅટ નોનસ્ટિક તવી તો જાેઈશે જ , એવું મોટાભાગે દરેક ગૃહિણી માનતી થઇ ગઈ છે .
પણ …. સમય આવી ગયો છે , બે ઘડી થોભીને વિચારવાનો ….કે શું નોનસ્ટિક વાસણમાં રસોઈ કરવાથી હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર તો નહીં થતી હોય ને ….??
તો ચાલો , આજે આપણે નોનસ્ટિક વાસણો વાપરવાની સાચી રીત તેમજ તેના વધુ પડતાં ઉપયોગથી થતા હેલ્થ પ્રોબ્લેમ વિષે જાણીયે …
આજકાલ તમામ વ્યક્તિ પોતાના આરોગ્ય વિષે ખુબ ગંભીરતાથી વિચારે છે .ઓછા તેલ અને માપસરના મસાલા વાળો જ ખોરાક લેવાનું પસંદ કરે છે .તેથી જ સ્ત્રીઓ નોનસ્ટિક વાસણોમાં રસોઈ કરવાનું પસંદ કરે છે જેથી ઓછું તેલ વાપરવું પડે .
એ વાત સાચી પણ છે કે , આવા વાસણોમાં રસોઈ કરવાથી તેની ‘ન્યુટ્રીશન વેલ્યુ’ જળવાઈ રહે છે .તંદુરસ્તી ટકાવી રાખવાં હેલ્થી ખોરાક ખાવો જરૂરી છે ….એટલે જ આવા વાસણોનો વપરાશ ખુબ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે .
પણ , કેટલીક હકીકત થી અવગત થવું હરેક માટે જરૂરી છે …!
નોનસ્ટિક વાસણો ની કોટિંગમાં ‘ટેફલોન’ નામનું રસાયણ વપરાય છે ,તેમજ વાસણોને નવીન ઓપ આપવાં વપરાતાં રંગ અને રસાયણો ગરમ થતાં તેમાં રંધાતા તે ખોરાકમાં ભળે છે ,જે વ્યક્તિને કેન્સર જેવા ગંભીર રોગ કરી શકે છે .આ વાસણોમાં કરવામાં આવેલાં કોટિંગનાં લીધે તેમાં રાંધેલો ખોરાક વાસણમાં ચોંટતો નથી …..ઓછું તેલ વાપરવાં છતાંય ,જે એક સારી વાત છે .
પણ …. આ કોટિંગ ગરમ થતાં તેનાં નાના કણ ખોરાક માં ભળે છે .”ટેફલોન” એ એક સિન્થેટિક મટીરીયલ છે .નોનસ્ટિક વાસણને જયારે ૩૦૦ ડિગ્રીથી વધારે ગરમ કરવામાં આવે છે ત્યારે આ મટીરીયલ એક અલગ પ્રકારનો વાયુ છોડે છે અને તેમાં રંધાતા ખોરાકમાં ભળે છે .
જે પર્યાવરણ માટે તેમજ આપણી હેલ્થ માટે ખુબ જ નુકસાનકારક છે .આ સચ્ચાઈ છે તેને કેમેય અવગણી ના જ શકીયે .
તો પછી …દરેક ગુહિણીને વિચાર આવે કે , શું આપણે નોનસ્ટિક વાસણો વાપરવાં જ નહીં …..! પણ , એવું નથી ,
સાવચેતી રાખીને આવા વાસણો આપણે ઉપયોગમાં લઇ શકીયે . ખોરાક રાંધવાની પ્રક્રિયામાં પ્રથમ કાર્ય આપણે કરીયે છીએ ,મોટાભાગે વાસણને પહેલાં ગરમ કરવાનું ……!
બસ આજ નથી કરવાનું . ગેસની મધ્યમ ફ્લેમ પર રાંધતા …કોટિંગના હાનિકારક ધુમાડાથી થતાં નુકશાનથી બચી શકાય છે .
આ ઉપરાંત આવાં વાસણોની સફાઈ સાવચેતીથી કરવી જેથી કોટિંગના આવરણને ક્ષતિના પહોંચે .તેમજ રસોઈકામમાં વપરાતાં ચમચા કે અન્ય સાધનો ધાતુના નહીં પણ લાકડાનાં વાપરવાથી પણ કોટિંગ ખરાબ થતું અટકે છે .
નોનસ્ટિક વાસણો રેગ્યુલર ના વાપરવા જાેઈએ . ક્યારેક સાવચેતી રાખીને વાપરવાથી વિપરીત અસરોથી બચી શકાય છે . આપણાં દેશના રસોઈઘરમાં મોટાભાગે સ્ટીલનાં , માટીનાં , કાચનાં તેમજ અન્ય ધાતુના વાસણોનો વપરાશ થાય છે .આ તમામ પ્રકારના વાસણોમાં કેટલાંક સારા કે કેટલાક નુકસાન કરે તેવું મટીરીયલ હોય છે .એટલે આઘુનિક રંગમાં રંગાતા પહેલાં વિવેકભાન રાખવું અત્યંત આવશ્યક છે .
ખોરાક રાંધીને ખાવો એતો આપણી પુરાતન સમયથી ચાલી આવતી આદત છે .વાસણો સિવાય પણ અનાજની ,મસાલાઓની તેમજ રસોઈ કરતી વખતે વપરાતી અન્ય સામગ્રીની ગુણવત્તાનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે કારણકે ….
‘પહેલું સુખ નિરોગી કાયા’ માનવી પાસેની સૌથી મોંઘી મિલ્કત તેની ‘તંદુરસ્તી’ જ છે .