નોર્થ કોરિયાઃ કોરોનાની ગાઈડલાઈન તોડવા બદલ એક વ્યક્તિને જાહેરમાં ગોળી મારી દેવાઈ
નવી દિલ્હી, નોર્થ કોરિયામાં સનકી તાનાશાહ કિમ જોંગનો શબ્દ જ નિયમ છે. અહીંયા ભારતની જેમ સંસદમાં કોઈ ઠરાવ પસાર થતો નથી અને હોબાળો થતો નથી. આપણે ત્યાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ બહુ બહુ તો 1000 રુપિયાનો દંડ કરવામાં આવે છે જ્યારે કિમ જોંગે તો નોર્થ કોરિયામાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરવા બદલ મોતની જ સજા જાહેર કરી દીધી છે.
એક બ્રિટશ અખબારે રેડિયો ફ્રી એશિયાના હવાલાથી અહેવાલ પ્રગટ કર્યો છે કે, 28 નવેમ્બરે નોર્થ કોરિયાની સેનાએ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી.
આ વ્યક્તિને જાહેરમાં જ મોતને ઘાટ ઉતારાયો હતો .જેથી લોકોમાં ડર પેસી જાય અને કોરોનાના નિયમનુ લોકો પાલન કરે.આ વ્યક્તિ પર કોરોનાના નિયમો તોડીને ચીન સરહદેથી દાણચોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
નોર્થ કોરિયાએ કોરોનાના કારણે પોતાની બોર્ડર સીલ કરી દીધી છે.બોર્ડરથી 0.6 કિલોમીટર વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ દેખાય તો તેને ઉડાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.જે વ્યક્તિને મોતની સજા અપાઈ છે તે સરહદી વિસ્તારનો જ રહેવાસી હતો.
નોર્થ કોરિયાના દાવાઓ પર વિશ્વાસ કરવો તો મુશ્કેલ છે પણ આ દેશ કહી ચુક્યો છે કે, અમારે ત્યાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી.જોકે બોર્ડરો બંધ થવાથી ઉત્તર કોરિયાના લોકોની હાલત ખરાબ થવા માંડી છે.કારણકે જરુરી વસ્તુઓની તંગી સર્જાવા માંડી છે.આવામાં ઘણા લોકો દેશ છોડીને ચીન તરફ જતા રહેવાની ફીરાકમાં છે.