નોર્થ પોલ પાર કરી સાન ફ્રાન્સિસ્કોથી ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની મહિલા પાયલટોની એક ટીમએ દુનિયાની સૌથી લાંબા હવાઇ યાત્રા માર્ગ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ મહિલા પાયલટો અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી 16 હજાર કિલોમીટરનું અંતર કાપી બેંગલુરુ પહોંચી છે. 16 હજાર કિલોમીટરની આ સફર પાર કરનારી ટીમને પાયલટ ઝોયા અગ્રવાલ એ લીડ કરી. મહિલા પાયલટોના આ કીર્તિમાન વિશે એર ઈન્ડિયા પોતાના ટ્વીટર હેન્ડલથી સમયાંતરે જાણકારી આપી રહી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ પણ તેને લઈને ટ્વીટ કર્યું.
નોંધનીય છે કે, પ્લેન નોર્થ પોલથી ઉપરથી પસાર થઈને ભારત પહોંચ્યું છે. જોયા એ જ મહિલા પાયલટ છે જેઓએ 2013માં બોઇંગ-777 પ્લેન ઉડાવ્યું હતું. તે સમયે તેઓ પ્લેન ઉડાવનારી સૌથી યુવા મહિલા પાયલટ હતી. આ જ કારણ છે કે તેમને આ વખતે આ મોટી જવાબદારી સોંપવામાં આવી. કો-પાયલટ તરીકે જોયાની સાથે કેપ્ટન પાપગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરે છે.
Air Indiaએ ટ્વીટ કરીને લખ્યું કે, વેલકમ હોમ, કેપ્ટન ઝોયા, કેપ્ટન પાપાગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરેની આ યાત્રી માઇલસ્ટોન સાબિત થશે. એર ઈન્ડિયા માટે આ ક્ષણ ગૌરવ અપાવનારી છે. અમે AI176ના પેસેન્જરોને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, જેઓ આ ઐતિહાસિક સફરનો હિસ્સો બન્યા.