નૌસેનામાં ત્રીજી સબમરીન INS કરંજ ૧૦મી માર્ચે સામેલ કરાશે
નવી દિલ્હી, ભારતીય નૌસેના ૧૦ માર્ચે મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઈએનએસ કરંજને સેનામાં સામેલ કરશે. ભારતીય નૌસેનાએ પહેલેથી જ આઈએનએસ કલવરી અને આઈએનએસ ખાંદેરીને સેનામાં સામેલ કરેલી છે. મુંબઈ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ) પર સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજને ૨૦૧૮ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી.
આઈએનએસ કરંજ પ્રોજેક્ટ ૭૫ પ્રોગ્રામ અંતર્ગત એમડીએલ દ્વારા બનાવવામાં આવેલી ત્રીજી સબમરીન છે. કલવરી અને ખાંદેરી બાદ કરંજની તાકાત જાેઈને દુશ્મનોને પરસેવો છૂટી જશે. કરંજ એક સ્વદેશી સબમરીન છે જેને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવી છે. આ સાથે જ ભારતે સબમરીન બનાવનારા દેશ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
એમડીએલ ભારતીય નેવીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી ક્ષમતા સાથે પૂર્ણ કરનાર ભારતના પ્રમુખ શિપયાર્ડ પૈકીનું એક છે.
સ્કોર્પિયન સબમરીન કરંજ દુશ્મનોને ચકમો આપીને ચોક્કસ નિશાન તાકી શકે છે. કરંજની આ ખૂબી ચીન અને પાકિસ્તાન જેવા દેશોની મુશ્કેલી વધારી દેશે. આ સાથે જ કરંજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલ વડે હુમલો પણ કરી શકે છે. તેમાં સપાટી પર પાણીની અંદરથી દુશ્મન પર હુમલો કરવાની ખાસીયત પણ છે.