ન્યુક્લિયર મિસાઇલ કે-૪ના પરીક્ષણની તૈયારી
વિશાખાપટ્ટનમ: ભારત આ સપ્તાહના અંત સુધીમાં બંગાળના અખાતમાં પોતાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરનાર છે. ન્યુÂક્લયર મિસાઇલ કે-૪નું પરીક્ષણ સબમરીનથી કરવામાં આવનાર છે. આ પરીક્ષણ મારફતે ભારત પરમાણુ હુમલાની સ્થિતિમાં પોતાની જવાબી કાર્યવાહીની ક્ષમતાને પ્રદર્શિત કરશે. સબમરીનથી લોંચ થઇ શકે તેવી કે-૪ ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ પૂર્વીય દરિયાકાંઠાથી કરવામાં આવનાર છે.
હવામાન યોગ્ય રહેશે તો જ પરીક્ષણની દિશામાં આગળ વધવામાં આવશે. ૩૫૦૦ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવનાર મિસાઇલ અરિહંત ક્લાસ પરમાણુ સબમરીન માટે ડિઝાઇન કરવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ડેવલપમેન્ટલ ટ્રાયલના હિસ્સા તરીકે તેનું પરીક્ષણ કરવામાં આવનાર છે. આ પરીક્ષણ પરમાણુ ક્ષમતાથી સજ્જ મિસાઇલના સંચાલનની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. નવેમ્બરની શરૂઆતમાં ટ્રાયલ શરૂ કરવાની યોજના હતી પરંતુ પૂર્વીય દરિયાકાંઠા ઉપર ચક્રવાતના કારણે પરીક્ષણની પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. કે-૪ના અંતિમ પરીક્ષણના પ્રયાસ ૨૦૧૭માં કરવામાં આવ્યા હતા. તેના ડેવલપમેન્ટ પ્રોસેસમાં તેજી લાવવાના પ્રયાસ થયા હતા. દેશમાં બીજી પરમાણુ સબમરીન આઈએનએસ પર કામ પૂર્ણ થનાર છે. ટૂંક સમયમાં જ ટ્રાયલ માટેની તૈયારી કરી દેવામાં આવનાર છે.