ન્યુ યોર્કના ગવર્નર જાતીય સતામણી મુદ્દે દોષિત, રાજીનામાનો ધરાર ઈનકાર
ન્યુયોર્ક: ન્યુ યોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુઓમો પર જાતીય સતામણીના સંબંધમાં ચાલી રહેલી તપાસમાં ફસાયા છે. તેમના પર અલગ અલગ સમયે ૧૧ મહિલાઓએ લગાવેલા જાતીય સતામણીના આરોપો સાચા સાબિત થયા છે. રાજ્ય એટર્ની જનરલના રિપોર્ટમાં કહેવાયું છે કે એન્ડ્ર્યુ કુઓમોએ કાયદો તોડયો છે અને એવા કામ કર્યા છે, જે તેમણે પદની ગરીમા જાળવી રાખવા માટે કરવા જેવા નહોતા. પાંચ મહિનાથી ચાલતી તપાસમાં દોષિત ઠર્યા પછી કુઓમોને પ્રમુખ બાયડેન સહિત અમેરિકન સંસદે પણ ન્યુ યોર્કના ગવર્નરપદેથી રાજીનામુ આપવા દબાણ કર્યું હોવા છતાં તેમણે રાજીનામું આપવા ધરાર ઈનકાર કરી દીધો છે.
ન્યુયોર્કના ગવર્નર સામે ચાલી રહેલી તપાસમાં જણાયું છે કે તેમના પર અલગ અલગ સમયે ૧૧ મહિલાઓએ જાતીય સતામણીના કરેલા આક્ષેપો સાચા સાબિત થયા છે. રાજ્યના એટર્ની જનરલ લેટીટિઆ જેમ્સનો તપાસ રિપોર્ટ સામે આવ્યા પછી પ્રમુખ જાે બાયડેને તેમના ડેમોક્રેટિક પક્ષના એન્ડ્રયુ કુઓમોને ગવર્નરપદેથી રાજીનામું આપવા માટે કહ્યું છે. ગૃહના સ્પીકર નેન્સી પેલોસી અને ન્યુ યોર્કના સેનેટર ચક શુમેર અને ક્રિસ્ટન ગિલિબ્રાન્ડે પણ એન્ડ્ર્યુ કુઓમોને ગવર્નરપદેથી રાજીનામુ આપવા દબાણ કર્યું છે. રાજ્ય એસેમ્બલીના નેતાએ જણાવ્યું હતું કે કુઓમોને ગવર્નર પદે રહી શકે નહીં. તેઓ કુઓમો સામે ઈમ્પિચમેન્ટની કાર્યવાહી પણ કરી શકે છે.
રાજીનામા માટે ભારે દબાણ છતાં ૬૩ વર્ષીય એન્ડ્ર્યુ કુઓમોએ એક વીડિયોના માધ્યમથી નિવેદન આપીને આ આક્ષેપોને નકારી કાઢતા પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે હાલ જે ચિત્ર ઊભું કરાઈ રહ્યું છે તેના કરતાં વાસ્તવિક્તા ઘણી અલગ છે. તેમણે ક્યારેય કોઈને બદઈરાદાથી સ્પર્શ નથી કર્યો અથવા અયોગ્ય જાતીય સતામણી નથી કરી. કુઓમોએ પોતાની સામેની તપાસને રાજકારણ પ્રેરિત અને ભેદભાવવાળી ગણાવી હતી.એન્ડ્ર્યુ કુઓમોનો ગવર્નરપદે આ ત્રીજાે કાર્યકાળ છે.
તેઓ વર્ષ ૨૦૧૧થી સતત આ પદ પર છે. એન્ડ્ર્યુ કુમોઓ ડેમોક્રેટિક પક્ષના વરિષ્ઠ નેતા છે. એક સમયે તેમને સંભવિત પ્રમુખ તરીકે પણ જાેવામાં આવતા હતા. તપાસ રિપોર્ટમાં કહેવાયું છે કે ગવર્નર ઓફિસનું વાતાવરણ કામ કરવા યોગ્ય રહ્યું નથી. એટલું જ નહીં જાતીય સતામણીનો જાહેરમાં આરોપ કરનારી પહેલી મહિલા વિરુદ્ધ બદલાની ભાવનાથી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કુઓમો પર અનેક મહિલાઓને બદઈરાદાથી સ્પર્શ કરવા, સતામણી કરવા અને કિસ કરવા જેવા આરોપો મૂકાયા છે.
ન્યુ યોર્કના એટર્ની જનરલ લેટિટિઆ જેમ્સની ઓફિસે જાહેર કરેલા આ રિપોર્ટમાં કુઓમો દ્વારા કરાયેલા વર્તનની માહિતી અપાઈ છે. તેમાં કહેવાયું છે કે કુઓમો મહિલાઓને બદઈરાદાથી સ્પર્શતા હતા. આ સિવાય તેમના પર મહિલાઓને કિસ કરવા, અભદ્ર ટીપ્પણી કરવાના પણ આરોપ છે. રિપોર્ટ મુજબ કુઓમોએ ૧૪ મિનિટ સુધી સંબોધન કર્યું અને મોટાભાગનો સમય તે આ બાબતો અંગે કંઈપણ કહેવાનું ટાળતા રહ્યા. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે કુઓમોએ પદ પર ચાલુ રહેવા અને જાતીય સતામણીના આરોપોને નકારી કાઢવાની યોજના બનાવી છે. ગવર્નરે કહ્યું કે તેઓ પોતાના કર્મચારીઓને તાલિમ આપવા માટે એક જાતીય સતામણી નિષ્ણાત હાયર કરશે