ન્યુ રાણીપમાં તસ્કરો ત્રાટક્યા : પ્રિન્ટીગમાં ઉપયોગમાં લેવાતા કિંમતી મુદ્દામાલની ચોરી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકી રોજ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકી કિંમતી મુદ્દામાલની ચોરી કરી રહી છે. શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં જીએસટી ક્રોસીંગ રોડ પર આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં ત્રાટકેલી તસ્કર ટોળકીઓએ ઝેરોક્ષ મશીનના સ્પેર પાર્ટસ સહિત કુલ રૂ.૮.૧૭ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતા વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જયારે બાપુનગરમાં એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂ.૮૦ હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જયારે માધવપુરામાં દુકાનમાં પ્રવેશી તસ્કરોએ ચોરી કરતા સનસનાટી મચી ગઈ છે. નવરંગપુરામાં તસ્કરોએ એક ઘરમાંથી રૂ.ર.૯૪ લાખના સોનાના દાગીનાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે વિદ્યાનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ શાહની ઓફિસ તથા ગોડાઉન ન્યુ રાણીપ જીએસટી ક્રોસીંગ રોડ પર આવેલા ન્યુ અર્બુદા એસ્ટેટમાં આવેલી છે ગઈકાલે તસ્કરો આ ઓફિસમાં ત્રાટક્યા હતા અને તાળુ ખોલી અજાણ્યા તસ્કરોએ ઝેરોક્ષ મશીનના સ્પેર પાર્ટસ, ર૩ નંગ પ્રિન્ટર સહિત પ્રિન્ટીંગમાં ઉપયોગમાં લેવાતા કુલ રૂ.૮.૧૭ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જયેશભાઈ શાહ ઓફિસમાં પહોંચ્યા ત્યારે તાળુ ખુલેલુ જાતા તેઓ ચોંકી ઉઠયા હતા આ અંગે તાત્કાલિક સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સાબરમતી પોલીસે જયેશભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સી.જી. રોડ પર સાસુજી હોટલની પાછળ આવેલા શ્યામ – સુંદર એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષભાઈ શેઠ બહારગામ ગયા હતા આ દરમિયાન રાત્રિના સમયે તસ્કરો તેમના ઘરમાં ત્રાટક્યા હતા અને ઘરમાંથી કબાટમાં મુકેલો સોનાનો સેટ, ચાંદીના સિક્કા, સોનાની લગડી તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.ર.૯૪ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં હર્ષભાઈએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.