ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ગોળીબાર કરનાર હુમલાખોરે ભારતમાં ત્રણ મહિના વિતાવ્યા હતા
ન્યૂઝીલેન્ડ, ગયા વર્ષે ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ઘૂસીને અંધાધૂધ ગોળીબાર કરીને 51 લોકોને મોતને ઘાટ ઉતારનાર હુમલાખોર બ્રેન્ટન ટેરન્ટને લઈને એક ખુલાસો થયો છે.
એવી જાણકારી મળી છે કે, ન્યૂઝીલેન્ડ જતા પહેલા ટેરન્ટે ભારત સહિતના બીજા દેશોનો પ્રવાસ કર્યો હતો.ભારતમાં તેણે ત્રણ મહિના વિતાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 15 માર્ચે આ હુમલો થયો હતો અને તેણે વિશ્વને સ્તબ્ધ કરી દીધુ હતુ.મોતને ભેટેલા 51 લોકોમાં ભારતીય મૂળના પાંચ લોકો પણ હતા.
દરમિયાન આ મામલાની ઈન્ક્વાયરીના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, 30 વર્ષીય ટેરેન્ટ સ્થાનિક જિમમાં ટ્રેનર તરીકે 2012 સુધી કામ કરતો હતો.એ પછી તેણે નોકરી છોડી દીધી હતી અને પિતાના પૈસાથી સંખ્યાબંધ દેશોની યાત્રા કરી હતી.2014 થી 2017 દરમિયાન તેણે ઘણા દેશોની યાત્રા કરી હતી.આ પૈકી સૌથી લાંબો સમય તે ભારતમાં રહ્યો હતો.અહીંયા તેણે નવેમ્બર 2015 થી ફેબ્રુઆરી 2016 સુધીનો સમય વિતાવ્યો હતો.આ સિવાય તે ચીન, જાપાન, રશિયા, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ એક મહિનાથી વધારે સમય માટે રહ્યો હતો.
જોકે રિપોર્ટમાં ઉલ્લેખ નથી કરાયો કે ટેરેન્ટે ભારતમાં આ ત્રણ મહિના દરમિયાન શુ કર્યુ હતુ.ન્યૂઝીલેન્ડ મીડિયાના કહેવા પ્રમાણે વિદેશમાં તે કોઈ કટ્ટરવાદી સંગઠનના સંપર્કમાં આવ્યો હોય તેવા કોઈ પૂરાવા મળ્યા નથી.એવુ માની શકાય તેમ નથી કે, વિદેશ યાત્રાઓના કારણે તેને હુમલો કરવા માટે પ્રેરણા મળી હશે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, ટેરન્ટ ઈન્ટરનેટ પર ક્ટ્ટરવાદી કન્ટેન્ડ અને આ જ પ્રકારની યુ ટ્યુબ ચેનલો જોવામાં સમય પસાર કરતો હતો.