ન્યૂઝીલેન્ડે 22 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદર વધાર્યા
વેલિંગ્ટન, સમગ્ર વિશ્વમાં મોંઘવારી સતત વધી રહી છે. અમેરિકા અને યુરોપ પછી એશિયામાં ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવ વધ્યા છે. જે આગળ પણ વધવાની ભીતિ છે.
ચીન, ભારત, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, થાઈલેન્ડ અને દક્ષિણ કોરિયામાં મોંઘવારી અપેક્ષા કરતા વધી છે. અંદાજ છે કે, વિશ્વની કેટલીક સેન્ટ્રલ બેન્કો ફુગાવો ઘટાડવા માટે વ્યાજ દરમાં વધારો કરશે.
ન્યુઝીલેન્ડની બેન્કે 22 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. અન્ય દેશો પણ ટૂંકસમયમાં વ્યાજદરો વધારી શકે છે. આર્થિક નિષ્ણાતોના મતે મોંઘવારી વધવાનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી હતી. ઉર્જા અને ઇંધણના ભાવમાં વધારો થયો છે.
વિશ્વના સૌથી વધુ વપરાશ કરતા પ્રદેશોમાં અનાજનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. ખાતર અને પરિવહનના ઊંચા ખર્ચે પણ વિશ્વભરમાં અનાજના ભાવમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અમેરિકાની ફેડ રિઝર્વ બેન્કે ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદરોમાં 0.25 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જો કે, ભારતમાં મોંઘવારી 17 માસની ટોચે પહોંચી હોવા છતાં આરબીઆઈએ હાલમાં યોજાયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરો જાળવી રાખ્યા હતા. બીજા ત્રિમાસિકથી વ્યાજદરોમાં વધારો થવાની વકી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.