પંકજ ત્રિપાઠીએ એક્ટિંગમાં કરિયર માટે ઘણાં સંઘર્ષ કર્યા
મુંબઈ: પંકજ ત્રિપાઠી આ સમયે બોલીવુડ હોય કે પછી ઓટીટી પ્લેટફોર્મ પોતાની અલગ છાપ છોડી રહ્યા છે, તેમની એક્ટિંગ જોયા બાદ દરેક વ્યક્તિ તેમના અભિયન વધુમાં વધુ જોવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમણે નેગેટિવ અને બાહુબલી પાત્રો ભજવ્યા છે પરંતુ બહુ જ ઓછા લોકોને ખબર હશે કે તેમનું બાળપણ અને ફિલ્મોમાં ચમક્યા પહેલાનું જીવન ઘણા સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. તેમણે ઈન્ટરવ્યુમાં પોતાના જીવન સાથે જોડાયેલી મહત્વની અને યાદગાર પળોને યાદ કરી છે.
તેમણે એ પણ જણાવ્યું કે તેમને એક્ટિંગનો રસ કઈ રીતે પડ્યો અને કઈ રીતે તેઓ દિગ્ગજ કલાકાર બન્યા. પોતાના બાળપણના દિવસો યાદ કરીને તેમણે જણાવ્યું કે, ધોરણ-૧૦માં ભણતો હતો ત્યારે પહેલીવાર છોકરીનું પાત્ર ભજવ્યું હતું. એક નાટકમાં છોકરીનું પાત્ર ભજવનારો છોકરો શહેરથી પાછો નહોતો આવતો તો નાટકને બંધ કરવાનો વારો આવ્યો હતો, આ સમયે પંકજ ત્રિપાઠીએ છોકરીનું પાત્ર ભજવવાનું નક્કી કર્યું અને તેમની અભિનય કળાની શરુઆત થઈ.
જ્યારે તેમણે નાટકમાં છોકરીનું પાત્ર ભજવવા માટેની તૈયારી બતાવી દીધી હતી ત્યારે નાટકના ડિરેક્ટર પંકજ ત્રિપાઠીને કહ્યું કે તેઓ આ પાત્ર ભજવે તે પહેલા પિતાની મંજૂરી લાવવી જરુરી છે. ડિરેક્ટરે કહ્યું કે પંકજ ત્રિપાઠીના પિતા આ પાત્રથી નારાજ થઈ શકે છે અને ચાલુ નાટકમાં સ્ટેજ પર લાકડી લઈને આવી શકે છે. જોકે, પંકજ ત્રિપાઠીના પિતાએ તેમને પાત્ર ભજવવાની મંજૂરી આપી દીધી. પંકજ ત્રિપાઠીએ એ પણ કહ્યું કે કે તેઓ આ નાટકમાં વચ્ચે આઈટમ સોંગ પણ પરફોર્મ કરતા હતા,
કારણ કે તેને લોકો વધારે પસંદ કરતા હતા. તેમણે કહ્યું કે એકવાર ગામના વડીલે તેમને ત્યાં સુધી કહી દીધું હતું કે પંકજ મુંબઈ જાય તો તે ઘણી બોલીવુડની હિરોઈનોનું કામ બંધ કરાવી શકે છે. પંકજ ત્રિપાઠી બોલીવુડ પહોંચી ગયા અને તેમણે પોતાની એક્ટિંગથી લોકોને ઘેલા કરી દીધા, તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર, બરેલી કી બર્ફી, સ્ત્રી અને મિર્ઝાપુરમાં ભજવેલા પાત્રને હંમેશા યાદ રાખવામાં આવશે.