Western Times News

Gujarati News

પંકિત ઠક્કર અને પ્રાચી લગ્નના ૨૧ વર્ષ બાદ ડિવોર્સ લેશે

મુંબઈ: ટીવી સીરિયલ આપકી નજરોં ને સમજામાં ચેતન રાવલનો રોલ કરી રહેલો એક્ટર પંકિત ઠક્કર આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ૪૧ વર્ષીય પંકિત ઠક્કર પત્ની અને ટીવી એક્ટ્રેસ પ્રાચી ઠક્કર સાથે ડિવોર્સ લેવા જઈ રહ્યો છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૦ના રોજ લગ્ન કરનારા પંકિત અને પ્રાચી છેલ્લા પાંચ વર્ષથી અલગ રહે છે. ડિવોર્સ અંગે વાત કરતાં પંકિતે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું, હું મહામારી પૂરી થાય તેની રાહ જાેઈ રહ્યો છું જેથી છૂટાછેડા માટે અરજી કરી શકું. અમે ૨૦૧૫થી અલગ રહીએ છીએ.

હવે જીવનમાં અમે બંને સારી જગ્યાએ અને ખુશ છીએ. અમે બંને એકબીજાનું આજે પણ માન જાળવીએ છીએ અને અમારી વચ્ચે બાબતો સ્પષ્ટ છે. અમે સંમતિથી અમારા દીકરા પ્રત્યેની ફરજાે પૂરી કરવાનું નક્કી કર્યું છે. મારો દીકરો તેની મમ્મી સાથે રહે તેમાં મને કોઈ વાંધો નથી. મેં ખૂબ નાની ઉંમરે માની છત્રછાયા ગુમાવી હતી અને એટલે જ હું સમજું છું કે બાળકના જીવનમાં માનું હોવું કેટલું જરૂરી છે. અમે બંને પરસ્પર સમજૂતીથી ડિવોર્સ ફાઈલ કરવાના છીએ. કસૌટી જિંદગી કી, સેઠજી અને હવન જેવી સીરિયલોમાં એક્ટિંગ કરી ચૂકેલી પ્રાચીના પ્રેમમાં પંકિત પડ્યો એ વખતના દિવસો વાગળતા તેણે કહ્યું, પ્રાચી સુંદર અને ટેલેન્ટેડ છે. તે જે છે

તેના પ્રત્યે મને હંમેશા માન રહેશે. પરંતુ ઘણીવાર પરિસ્થિતિ આપણા કાબૂ બહાર જતી રહે છે. અમે અમારા સંબંધને બચાવીને સાથે રહેવાનો ઘણો પ્રયાસ કર્યો પણ છેવટે અલગ રહીને જ અમને શાંતિ મળી. હું તેના પ્રેમમાં પડ્યો ત્યારે મારા પરિવાર વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કર્યા હતા. એ વખતે હું ૨૧ વર્ષનો હતો અને પ્રાચી ઉંમરમાં મારાથી આઠ વર્ષ મોટી હતી એટલે જ પરિવાર અમારા સંબંધના વિરુદ્ધમાં હતો. હું મારા કરિયરની ટોચ પર હતો અને મને લાગ્યું કે સાચો સમય છે, ઈશ્વર મને જે ઈચ્છ્યું તે પામવાના આશીર્વાદ આપી રહ્યા છે.

પ્રાચીને પહેલીવાર મળ્યો એ દિવસ યાદ કરતાં પંકિતે કહ્યું, મુંબઈના બાંદ્રાના ડાન્સ ક્લબમાં પ્રાચી સાથે પહેલી મુલાકાત થયેલી તે મને આજે પણ યાદ છે. પ્રાચી ત્યાં પોતાની બર્થ ડે સેલિબ્રેટ કરી રહી હતી. તે મારી પાસે આવી અને મને ડાન્સ કરવાનું કહ્યું હતું, મેં કર્યો પણ હતો. હું મારી જિંદગીમાં પોઝિટિવ અને સુંદર યાદો સાથે આગળ વધવા માગુ છું અને પ્રાચીને પણ જિંદગીમાં સફળતા મળે તેવી આશા છે. તેને જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું તેની પડખે રહીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.