પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારીએ રજાયતાના ગ્રામજનો સાથે દિવાળીની ઉજવણી કરી
ગોધરા :પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહે જિલ્લાના મોરવા (હડફ) તાલુકાના રજાયતાના ગ્રામજનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. તેમણે ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોને પૌષ્ટીક ભોજન કરાવી ગરમ કપડા અને મીઠાઇ વહેંચી હતી.
રજાયતા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉજવાયેલા આ દિપોત્સવમાં ગ્રામજનોની આરોગ્ય તપાસ સાથે જિલ્લા વિકાસ અધિકારીએ સુપોષણ અંગે પરામર્શ કર્યો હતો. સાથે આરોગ્યલક્ષી સેવાઓ, જનની સુરક્ષા, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, કસ્તુરબા પોષણ સહાય, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સંકલિત બાળવિકાસ યોજનાઓની સવિસ્તર માહિતી આપી હતી અને તેનો લાભ લેવા જણાવ્યું હતું.
ગામની 27 સગર્ભા માતાઓ, 06 ધાત્રી માતાઓ અને 18 અતિ કુપોષિત બાળકોના પરિવાર સાથે પૌષ્ટિક આહાર સંબંધી ફળદાયી ચર્ચા કરી આ પરિવારોને યોગ્ય ખોરાક લેવા સમજૂત કર્યા હતા.
દિપોત્સવ દિનની આ ઉજવણીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, આર.સી.એચ.ઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને સારા સ્વાસ્થ્ય, ખાન-પાન અને સરકારી યોજનાઓથી સમજૂત કર્યા હતા.