પંચમહાલની ખાણી પીણીની લારીઓ પરથી ૧૫૯ ગેસ સિલિન્ડર જપ્ત
જિલ્લા પુરવઠા અધિકારી તથા મામલતદારો દ્વારા ૨૦૦થી વધુ સ્થળે તપાસઃ ૪.૩૩ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ .ટી.મકવાણા અને મામલતદાર સહિત તેમની ટીમે પંચમહાલ જિલ્લાના વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો તેમજ ખાણી પીણીની લારીઓ ઉપરથી ૧૫૯ જેટલા ઘરેલુ ગેસના બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પંચમહાલ જિલ્લાના મોરવા(હ), શહેરા, હાલોલ, કાલોલ, ગોધરા ગ્રામ્ય તેમજ ઘોઘંબા તાલુકામાં આવેલ હોટેલ, રેસ્ટોરાં, ફરસાણ તેમજ ચા-નાસ્તાની લારીઓના વેપારીઓ રાંઘણગેસના દ્વારા ઘરેલું બોટલોનો અનઅધિકૃત તથા ગેરકાયદેસર વાણિજિયક ઉપયોગ કરતા હોવાનું માલુમ પડતા સોમવારે પુરવઠા અધિકારી એચ ટી મકવાણા તથા જિલ્લા પુરવઠાની ટીમ સાથે મોરવા(હ),
શહેરા,હાલોલ, કાલોલ, ગોધરા ગ્રામ્ય તેમજ ઘોઘંબા તાલુકા મામલતદારો તથા તેઓની ટીમ દ્વારા સંયુક્ત ટીમ દ્વારા આશરે ૨૦૦ થઈ વધુ સ્થળે રેઇડ કરી તપાસ હાથ ઘરતા હોટેલ, રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો તેમજ ચા-નાસ્તાની લારીઓના વેપારીઓ અનઅધિકૃત ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ઝડપાયા હતા. જેમા મોરવા (હ) તાલુકામાંથી ૩૮, શહેરા તાલુકામાંથી ૩૨, હાલોલ તાલુકામાંથી ૨૫,
ગોધરા ગ્રામ્યમાથી ૪૪, કાલોલ તાલુકામાં ૧૦ તેમજ ઘોઘંબા તાલુકામાં ૧૦ સિલિન્ડર મળી ૧૫૯ ભરેલા તથા ખાલી ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવેલ છે. જેમા ૨૩ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જેની બજાર કિંમત રૂ.૯૫૦૭૧ તેમજ ૧૧૨ ઘરેલું ગેસ સિલીન્ડર જેની બજાર કિંમત રૂ.૩૩૮૦૩૨ મળી કુલ રૂ.૪.૩૩ થી વધુ થાય છે. પુરવઠા અને વિતરણ નિયમનની જોગવાઈ મુજબ ૧૪.૨ કિગ્રાના ગેસ સિલિન્ડર ઘરવપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેમ છતાં વેપારીઓએ ધરેલું રાંધણગેસના બોટલો અનઅધિકૃત રીતે વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું જણાતા તમામ બોટલો સીઝ કરી વપરાશકારો સામે આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.