પંચમહાલમાં ચોમાસાની પૂર્વ તૈયારી કરી સંભવિત પૂર-વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા આગોતરૂં આયોજન
પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ
ગોધરા, પંચમહાલ જિલ્લા સેવા સદન-૨ કલેક્ટર કચેરીના સભાખંડમાં ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન-૨૦૨૨ પ્લાનીંગ અંગેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી ચોમાસાની પૂર્વ તૈયારી કરી સંભવિત પૂર-વાવાઝોડા-ભારે વરસાદની સ્થિતિનો સામનો કરવા માટે આગોતરૂં આયોજન સહિતની કામગીરી વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર સુજલમ યાત્રાએ આગામી ચોમાસામાં કોઇ પણ પ્રકારની વિપરીત સ્થિતિનો સામનો કરવા તંત્ર સાબદું રહે તેમજ બચાવ અને રાહત કામગીરી માટેનો એક્શન પ્લાન તૈયાર કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ જિલ્લાના વિવિધ વિભાગોને આ અંગેની જરૂરી કામગીરીની જવાબદારી સોંપાઇ હતી.
આ બેઠકમાં સંબધિત અધિકારીઓને તેમના દ્રારા કરવાની થતી કામગીરી સોંપવામાં આવી છે જેવી કે ચોકસાઇ થી વરસાદના ડેટા લેવા, વરસાદ માપકયંત્રના સર્ટીફિકેટ મેળવી લેવા,ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રાહત છાવણી અંગે સર્વે કરી આયોજન કરવું, તરવૈયાની યાદી તૈયાર કરવી,
પ્રિ-મોન્સુન-૨૦૨૨ પ્લાનીંગ અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. તેમજ તાલુકા કક્ષાએ પણ ૨૪ કલાક કાર્યરત રહે તેવો કંટ્રોલ રૂમ શરૂ કરાશે. પોલીસની ટીમને ખાસ બચાવ અને રાહત કામગીરી માટે તાલીમબદ્ધ કરાશે. તેમજ એનડીઆરએફની ટીમ પણ જિલ્લામાં બચાવ કામગીરી માટે સતત તૈયાર રહેશે.
બેઠકમાં પુર-વાવાઝોડા વગેરે જેવી સ્થિતિમાં લોકોને અગાઉથી જાણ થઇ જાય તેમજ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને તુરત જ સહાય મળી રહે તે માટે આયોજન કરાયું છે. રોડ-રસ્તા મરામત તેમજ રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવા, વીજપુરવઠો, તળગામોને પુરની અગાઉથી જાણ કરવી, વરસાદની સ્થિતિમાં ભયજનક બનતા બ્રીજ જેવી બાબતો અંગે વિગતે ચર્ચા કરી, કલેક્ટરએ સૌ અધિકારીશ્રીઓએ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા હિમાંશું સોલંકી, અધિક નિવાસી કલેકટર એમ.ડી.ચુડાસમા, પ્રયોજના વહીવટદાર ભગોરા અને ડીઆરડીએ ડાયરેક્ટર તબીયાર, પ્રાંત અધિકારીઓ, તથા જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.