પંચમહાલમાં જિલ્લામાં પીવાના પાણી અને સુજલામ સુફલામ જળ અભિયાનના કામોની સમીક્ષા બેઠક યોજાઈ
ગોધરા, શનિવારઃ પંચમહાલ જિલ્લામાં પીવાના પાણી અને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ના કાર્યોની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે ઉપસ્થિત અધિકારીઓને જિલ્લાના ગામોમાં પીવાના પાણી માટે થયેલ ફરિયાદોનું ઝડપથી નિરાકરણ આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે બેઠકમાં ચોમાસાના પગલે પીવાના પાણીની સ્થિતિ હળવી ન બને ત્યાં સુધી હાથ ધરાયેલા કામોની ઝડપ ન ઘટે તે જોવા નિર્દેશ કર્યો હતો.
આ ઉપરાંત, નજીક આવી રહેલ ચોમાસાને ધ્યાનમાં રાખીને કૂવા-હેન્ડપંપને રિચાર્જ કરવા, ભૂગર્ભ ટાંકા બનાવવા સહિતના જળ સંચયના કાર્યો હાથ ધરવા અને તેના પર વધુ ધ્યાન આપવા સૂચના આપી હતી. તેમણે જે તાલુકાઓમાં પાણીનો પ્રશ્ન વધુ વિકટ છે ત્યાં તળાવો ઉંડા કરવાના કામોની સંખ્યા વધારવા, મોડેલ તળાવો વિકસાવવાના કાર્યોનું સૂચારૂ આયોજન કરવા અંગે નિર્દેશ કર્યો હતો. એમજીવીસીએલના અધિકારીઓ પાસેથી બોર મોટર અને વોટર વર્કસને કનેક્શનના પૂર્ણ થયેલા કામો અને બાકી રહેલા કામો અંગે જાણકારી લઈને તેમણે બાકી જોડાણો આવતા શુક્રવાર સુધીમાં આપી દેવા અને પાણી પુરવઠાની યોજનામાં વીજ જોડાણને લઈને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
તેમણે પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ પાસેથી તાલુકા વાઈઝ હેન્ડપંપોની આવેલ ફરિયાદો, નિકાલ કરાયેલ ફરિયાદો અને બાકી રહેલ ફરિયાદો બાબત જાણકારી મેળવી હતી. તેમણે મિની યોજનાઓ માટે જમીન મેળવવાની પ્રક્રિયામાં ઝડપ આવે તે માટે સંબંધિત તલાટી કમ મંત્રીઓને સૂચના આપવા પણ જણાવ્યું હતું. સુજલામ-સૂફલામના કામોની સમીક્ષા કરતા તેમણે ખોદકામના કામોની સંખ્યા વધારવા અને બાકી ૯ કામો ૧૦ જૂન સુધીની સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. તે જ રીતે જળસંપત્તિ, મનરેગા અને નાની સિંચાઈના આયોજન હેઠળના કામો શરૂ કરવા અને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.