પંચમહાલમાં ૧૮૦૦ રૂપિયાની લાંચ માંગરનાર લાંચિયો હોમગાર્ડ ઝડપાયો
દાહોદ: જાંબુઘોડા પોલીસ તંત્રમાં ભારે હડકંપ સર્જનારા એક બનાવમાં જાંબુઘોડા તાલુકાના ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા નોકરી ફાળવવામાં હોમગાર્ડ જવાનો પાસેથી ૪૫૦/- રૂપિયા લાંચનો હપ્તો વસુલ કરવાની આ લાલસાવૃત્તિઓ સામે એક હોમગાર્ડ જવાન દ્વારા એ.સી.બી.નો સંપર્ક કરીને ખુદ ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિત બારીઆ અને લાંચના નાણાંનો સ્વીકાર કરવા ખાખરીયા ચેકપોસ્ટ ઉપર દોડી ગયેલા હોમગાર્ડ જવાન ચીમન બારીઆને વડોદરા ફિલ્ડ એ.સી.બી.દ્વારા ૧૮૦૦/- રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા જાંબુઘોડાની આ અસરો પંચમહાલ જિલ્લા હોમગાર્ડ યુનિટમાં ભૂકંપની જેમ પ્રસરી જવા પામી હતી.
હોમગાર્ડ જવાન દ્વારા હોમગાર્ડ જવાનને લાંચના ઉઘરાણાઓમાં એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાવી દેવાના આ ચોંકાવનારા પ્રકરણની હકીકત એવી છે કે જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામ પાસે છોટાઉદેપુર જિલ્લાની સરહદે ઉભી કરવામાં આવેલ જાંબુઘોડા પોલીસની આ ચેકપોસ્ટ ઉપર પોલીસ કર્મચારી સમેત ચાર હોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવતા હોય છે. આ મલાઈદાર જેવી ચેકપોસ્ટ ઉપર હોમગાર્ડ જવાનોને નોકરી ફાળવવા માટે જાંબુઘોડા તાલુકાના ઈન્ચાર્જ કમાન્ડન્ટ રોહિતભાઈ મથુરભાઈ બારીઆ એક જવાન પાસેથી ૪૫૦/- રૂપિયાના ઉઘરાણાનો લાંચનો હપ્તો લેતા હોવાની આ લાંચિયા વૃત્તિ સામે ખુદ એક જાગૃત હોમગાર્ડ જવાન દ્વારા વડોદરા ફિલ્ડ એ.સી.બી. પી.આઈ.એસ.એસ.રાઠોડ સમક્ષ ફરીયાદી બનીને રજુઆત કરી હતી.
આ ફરીયાદના આધારે વડોદરા ફિલ્ડ એ.સી.બી.પી.આઈ.એસ.એસ.રાઠોડ દ્વારા ખાખરીયા પોલીસ ચેકપોસ્ટ ખાતે ગોઠવવામાં આવેલા વ્યૂહાત્મક છટકા બાદ ફરીયાદી હોમગાર્ડ જવાને પોતાના ઈન્ચાર્જ કમાન્ડન્ટ રોહિત બારીઆને ચાર હોમગાર્ડ જવાનોની ડ્યુટી ફાળવવા પેટે ૪૫૦/- રૂપિયા લેખે ૧૮૦૦/- રૂપિયા તૈયાર હોવાનું જણાવતા આ લાંચના નાણાં લેવા માટે અન્ય હોમગાર્ડ જવાન ચીમન સબુરભાઈ બારીઆ ખાખરીયા ચેકપોસ્ટ ઉપર આવીને ૧૮૦૦/- રૂપિયાનો સ્વીકાર કરતા વેંત વડોદરા ફિલ્ડ એ.સી.બી.પી.આઈ. એસ.એસ.રાઠોડે આ લાંચના નાણાંના સ્વીકાર સાથે જ હોમગાર્ડ જવાનને દબોચી લઈને સપાટો બોલાવતા જાંબુઘોડા પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.