Western Times News

Gujarati News

પંચમહાલવાસીઓને હવે ઘરે બેઠા કરિયાણા સહિતની સામગ્રી મળશે, ફોન પર ઓર્ડર નોંધાવી શકશે

કરીયાણા, દૂધ-શાકભાજી અને ડ્રગીસ્ટ એસોશિએસનના  પ્રતિનિધીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તાશ્રી  

દુકાનોએ થતી ભીડથી સંક્રમણનો ભય ટાળવા  હોમ ડિલીવરીની વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું

નિયત ભાવે સૌને સમાન રીતે નિરંતર પુરવઠો મળે,ભીડ એકઠી ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ   

ગોધરા,નોવેલ કોરોના વાયરસના સંક્ર્મણને રોકવા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના પ્રથમ દિવસે પંચમહાલના જિલ્લાવાસીઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે, ચેપ લાગી શકે તેવી સ્થિતિ કે અવ્યવસ્થા ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાની  અધ્યક્ષતામાં શાકભાજી-કરિયાણા અને દવાઓના વિવિધ વેપારી એસોસિએશનોની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

કલેકટરશ્રી અરોરાએ આ રોગની ગંભીરતા વિષે વાત કરતા જણાવ્યું હતું કે જયાં ભીડ એકત્ર થતી હોય અને લોકોને એકબીજાનો સ્પર્શ થવાની શક્યતા હોય ત્યાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ વધી જતી હોય છે. જિલ્લામાં લોક ડાઉનના પ્રથમ દિવસે કરીયાણા, શાકભાજી અને દૂધના સ્ટોલ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાનું  હોવાનું ધ્યાને આવતા આ ભયજનક સ્થિતિ નિવારવાના વિવિધ ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના સામેની લડાઈમાં લોક ડાઉનનો હેતુ સાર્થક કરવા માટે આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ નિરંતર ખોરવાયા વિના જળવાઈ રહે અને તે પૂરી પાડતા સ્થળોએ ભીડના કારણે ચેપનો ભય ઉભો ન થાય તે બાબતને સૌથી મહત્વની ગણાવતા  જિલ્લા કલેક્ટરશ્રીએ એસોસિયેશનના હોદ્દેદારોને આ કપરી સ્થિતિમાં તમામ લોકોને ચીજવસ્તુઓનું સમાન રીતે વિતરણ થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.

આ ઉપરાંત આ સ્થળોએ ખરીદી માટે વધુ સંખ્યામાં લોકો ભેગા થઈ જતા હોવાની સમસ્યાને ગંભીર ગણાવતા કલેક્ટરશ્રી દ્વારા વેપારીઓને હોમ ડિલીવરીની વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું, જેને આવકારતા જિલ્લાના વેપારીઓ પણ પોતાના આસપાસના ગ્રાહકોને ઘરે બેઠા જ કરીયાણુ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સંમતિ દર્શાવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ગ્રાહકો પોતાની જરૂરીયાતની વસ્તુઓનો ઓર્ડર જે-તે દુકાન પર ફોન મારફતે નોંધાવશે. ત્યારબાદ તે જ વિસ્તારના વધુ ઓર્ડર મળતા એકસાથે તે ઓર્ડર્સની ડિલીવરી ઘર સુધી કરવામાં આવશે. સંકટના સમયે વેપારીઓ કાળા બજાર કે ભાવ વધારો કરીને વેચાણ ન કરે અન્યથા તેમની વિરુધ્ધ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવી ખાસ તાકીદ પણ કલેક્ટરશ્રીએ કરી હતી.

કલેકટરશ્રીએ વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘર-ઘર સુધી કરીયાણાની કિટસ પંહોચે તે માટે ખાસ વ્યવસથા કરવા કરીયાણા એસોસિએશનની ભલામણ કરી હતી. જયારે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના પુરવઠાનું પરીવહન કરતા વાહનચાલકો અને દુકાનધારકોને પાસ આપવામાં આવશે તેમ પણ કહ્યું હતું. વેપારી એસોસિએશન દ્વારા જે-તે વિસ્તારમાં કાર્યરત કરીયાણાના દુકાનોની એક યાદી તૈયાર કરી નામ જાહેર કરવામાં આવશે, જેના આધારે નાગરિકો ફોન પર ઓર્ડર નોંધાવીને હોમ ડિલીવરી મેળવી શકશે.  આ ઉપરાંત સાંજે છ વાગ્યા બાદ કરિયાણા-દૂધ-શાકભાજીની તમામ દુકાનો બંધ કરવાની રહેશે.

જહૂરપુરા શાક માર્કેટમાં શાકભાજીનું છૂટક વેચાણ કરતા ફેરિયાઓ અને ગ્રાહકોની ભારે ભીડ થતી હોવાનું નોંધતા તેમણે નગરપાલિકા દ્વારા માન્ય હોય તેવા ફેરિયાઓને જ મર્યાદિત સંખ્યામાં જ બેસવાની અનુમતિ આપવા જણાવ્યું હતું.  જો કે સાઈકલ અને લારી પર શાકભાજી વેચતા ફેરિયાઓને શહેરમાં વેચાણ ચાલુ રાખવા અનુમતિ અપાઈ છે. છૂટક વેપારીઓ રાત્રે 2 થી સવારે 9 કલાક સુધીમાં શાકભાજી અને ફળોની ખરીદી કરી લેવાની રહેશે. આ માટે હોલસેલરો અને રિટેલરોને નગરપાલિકા દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવશે.

શહેરના નાગરિકોને લોક ડાઉનના સમયમાં દવાઓ સમયસર નિયમિત રીતે મળી રહે તે માટે જિલ્લાના ડ્રગીસ્ટ અને કેમિસ્ટ એસોશિયેસન સાથે ચર્ચા કરી   દવાની બેથી ત્રણ દુકાનો વારાફરતી દરેક સમયે ચાલુ મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા તેમણે નિર્દેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.