પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેક્ટર એસ.કે.લાંગા સામે પોલીસ ફરીયાદ.
ગોધરા,પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને હાલ નિવૃત આઇએએસ એસ . કે . લાંગા વિરુદ્ધ પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કર્યો હતો . જે બાબતે નિવાસી અધિક કલેકટરે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે.
પંચમહાલ કલેક્ટર કચેરીમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં મામલતદાર કૃષિપંચ દ્વારા ખેડૂત ખરાઈ અંગે નોટિસ અપાઇ હતી . જેની તપાસ ગોધરા પ્રાંત અધિકારી દ્વારા કરાઇ રહી હતી . જેઓ પાસેથી તે સમયના કલેક્ટર એસ . કે . લાંગા દ્વારા ત્રણ કેસની તપાસ આંચકી લધી હતી . જે ત્રણેય કેસમાં તેમને પોતાની સત્તાનો દુરુપયોગ કરી હુકમ કર્યા હતા . જે બાબતે બાબતે પંચમહાલના જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા સરકારમાં રજૂઆત કરાઇ હતી .
જેની તપાસમાં સમગ્ર હકિકત સામે આવતા તત્કાલીન કલેક્ટર એસ . કે . લાંગા વિરુદ્ધ આખરે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી રહી છે .પંચમહાલ જિલ્લા અધિક કલેકટર એમ . ડી ચુડાસમાએ તત્કાલીન કલકેટર એસ . કે . લાંગા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે , એપ્રિલ ૨૦૧૭ થી એપ્રિલ ૨૦૧૮ સુધી પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે કારભાર સંભાળનાર અને હાલ નિવૃત આઈએએસ એસ . કે . લાંગા દ્વારા ગોધરા શહેરના ત્રણ ખેડૂત ખાતેદાર શિલાબેન મંગલાની , ધનરાજ રોહિતકુમાર સુંદરલાલ લુહાણા અને ધનવંતીબેન ચુનીલાલ ધારસિયાનીએ હરાજીમાં લીધેલ જમીનમાં
જે તે વખતના નિયમો પ્રમાણે પોતાનું નામ ૭ ( અ ) માં દાખલ કરાવેલ હતું . આ અંગે જે તે સમયે એક અરજદાર દ્વારા કૃષિપંચ અને મામલતદારમાં ખોટી રીતે બિનખેડૂતના નામો દાખલ કરાયા અંગે અરજી કરાઇ હતી . જે બાબતે મામલતદાર દ્વારા કોઇ યોગ્ય નિકાલ નહિ થતા અરજદારે પ્રાંત અધિકારીની કોર્ટમાં રિવ્યુ અપીલ કરી હતી .
તે સમયે પ્રાંત અધિકારી ગોધરા પાસે ખેડૂત ખરાઈ અંગેની ૫૧ જેટલી તપાસ અરજી પેન્ડિંગ હતી . દરમિયાન તત્કાલિન જિલ્લા કલેક્ટર એસ . કે . લાંગા દ્વારા પ્રાંત અધિકારી પાસેથી જમીન બાબતની અરજીઓ અંગેની સત્તા આંચકી પોતાને હોદ્દાની સાથે મળેલી સત્તાનો દુરુપયોગ કરી PICK AND CHOOS પદ્ધતિ અપનાવી નોટિંગ કર્યા વિનાનો પરિપત્ર મનસ્વી રીતે કર્યો હતો . આ બાબતે હુકમો કરી ઉક્ત ખેડૂતોની જમીનો ખાલસા ન થાય તેવો ફાયદો કરાવી બિનખેડૂતોને સજા માંથી બચાવવા તેમજ મિલકત જપ્ત થતી બચાવવાના ઈરાદાથી પોતે રાજ્ય સેવક હોવા છતાં ખોટું રેકર્ડ તૈયાર કર્યું હતું .
અધિક નિવાસી કલેક્ટરની ફરિયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા આઇપીસીની કલમ ૨૧૭ અને ૨૧૮ મુજબ ફરિયાદ નોંધી હતી . જેની તપાસ ગોધરા ડીવાયએસપી દ્વારા શરૂ કરવામાં આવી છે .
તત્કાલીન કલકેટરે કરેલા હુકમો ચકાસણી માટે મોકલાશે ગોધરા મામલતદાર અને કૃષિપંચ દ્વારા ખેડૂત ખરાઈ અંગે ૫૯ જેટલા ખાતેદારોને નોટિસ આપી હતી . જે અંગેની રિવ્યુ લેવાની કામગીરી પ્રાંત અધિકારી કરી રહ્યા હતા . દરમિયાન ત્રણ ખાતેદારની તપાસ તત્કાલીન કલકેટરે લઈ હુકમો કર્યા હતા . જે અંગે સરકારમાં રજુઆત થતા તપાસ કરાઇ હતી . જેમાં આ હુકમો સત્તા મર્યાદા બહાર કરવામાં આવ્યા હોવાનું સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે . હવે , તેઓ દ્વારા કરાયેલા હુકમોની યોગ્યતા તપાસવા માટે ગુજરાત મહેસુલ પંચમાં મોકલવામાં આવશે .