સેવાસેતુના પાંચમા તબક્કાની રાજ્યમાં આજથી શરૂઆત
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોજાનારા સેવાસેતુમાં ૫૭ જેટલી સેવાઓ પૂરી પડાશે
ગાંધીનગર, ગુજરાતના જિલ્લાઓમાં સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાની (Fifth phase of Seva Setu) શરૂઆત થઈ ગઈ છે. નાગરિકોને ઘરઆંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો પંચમહાલ જિલ્લામાં તા.૧૦મી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજથી પ્રારંભ થયો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
આ કાર્યક્રમમાં આવકના દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા-વાત્સલ્ય, મા-અમૃત્તમ કાર્ડ માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના સાથે હવે મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓ પણ કાર્યક્રમ સ્થળે સ્વીકારવામાં આવશે.
કાર્યક્રમમાં એક જ દિવસમાં પૂરી પાડી શકાય તેવી યોજનાઓનો લાભ પ્રજાજનોને આપવામાં આવશે અને જે સેવાઓનો લાભ આપવામાં સમય લાગે તેમ હોય તેવી યોજનાઓની અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે. આ માટે ગ્રામ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં એક તાલુકામાં પાંચ થી છ ગામોનું કલસ્ટર બનાવી પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળની જુદા જુદા ૧૪ અધિકારીઓની ટીમ કેમ્પ ગોઠવશે. આ કેમ્પમાં કોઇ પણ જાતની અરજી ફી લીધા સિવાય સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સ્થળ ઉપર જ રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે.
કલસ્ટર કક્ષાએ સવારે ૯.૦૦ કલાકથી કેમ્પની શરૂઆત થઈ હતી. ૯.૦૦ થી ૧૧.૦૦ કલાક દરમિયાન અરજદારો પાસેથી રજૂઆતો અને તેમના પુરાવાઓ મેળવવામાં આવશે. ૧૧.૦૦ થી ૨.૦૦ કલાક દરમિયાન સ્થળ તપાસ વગેરે કરવામાં આવશે અને ૩.૦૦ થી ૫.૦૦ કલાક દરમિયાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોના આખરી નિકાલની જાણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી (Gujarat State CM Vijay Rupani) પ્રજાલક્ષી યોજનાઓ લોકોના દ્વારે લઈ જવાના આ અભિનવ પ્રયોગ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો , ગુરૂવાર તા.૧૦ ઓકટોબરથી દાહોદના અંતેલા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યાે હતો . નવેમ્બર-૨૦૧૬થી વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા અને જવાબદારીપણું-એકાઉન્ટેબિલીટીને અગ્રતા આપતાં સેવા સેતુનો રાજ્યભરમાં આરંભ કરવામાં આવ્યો છે.