Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે  બંધારણ દિવસની કરાયેલ ઉજવણી

ગોધરા:    ૨૬ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ભારતીય બંધારણને ૭૦ વર્ષ પૂરા થતા હોવાથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ગોધરા કલેક્ટર કચેરી ખાતે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહની ઉપસ્થિતિમાં બંધારણના આમુખનું વાંચન કરીને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા  ભારતીય બંધારણ સ્વિકારવામાં આવ્યું હતું. ડો. બાબા સાહેબ આંબેડકર તેના અધ્યક્ષ હતા. ભારતનું બંધારણ ઘડવામાં ડો. બાબા સાહેબનું પ્રદાન મહત્વનું રહ્યું છે. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણમાં સૌથી મોટું અને લિખિત બંધારણ છે. ભારતીય બંધારણમાં ભારતના લોકો, સાર્વભૌમિકતા, સમાજવાદી, ધર્મનિરપેક્ષ,  લોકતાંત્રીક, ગણતંત્ર, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતાનો જેવા મહત્વની બાબતોનો સમાવેશ થાય છે.

આમુખને ભારતીય બંધારણનું પરિચય પત્ર ગણવામાં આવે છે. સર બી.એન.રાવે આમુખ તૈયાર કર્યું હતું. આમુખ તથા બંધારણના મુળ પાનાઓની ડિઝાઈન વિખ્યાત ચિત્રકાર શ્રી રામમનોહર સિન્હા દ્વારા બનાવવામાં આવી હતી. આમુખનું સુલેખન પ્રેમબિહારી રાયજાદાએ કર્યું હતું.

ચાલુ વર્ષે બંધારણીય દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા  બંધારણ અને મૂળભુત ફરજો વિષય પર તા. ૨૬/૧૧/૧૯ થી તા. ૧૪/૪/૨૦૨૦ (ડો. બી. આર. આંબેડકર જન્મ જયંતિ) દરમિયાન કેમ્પેઇન કરવામાં આવશે. પ્રજાજનોમાં બંધારણીય ફરજો વિશે જાગૃતિ કેળવાય અને સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ યોજનાઓ વિશે પ્રજાજનો માહિતગાર થાય તે માટે આ કેમ્પેઇન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.