Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં રોગોના નિદાન  માટે ધનવંતરી રથને કાર્યરત કરાયા 

જિલ્લા ક્લેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ  ત્રણ ધનવંતરી રથોને લીલીઝંડી બતાવી 

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લાના અલગ તારવેલા હોટસ્પોટ વિસ્તારોમાં રોગોનું નિદાન, સારવાર હાથ ધરશે   

માહિતી બ્યુરો, ગોધરાઃપંચમહાલ જિલ્લામાં વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં જઈ સારવાર કરવા તેમજ કોવિડ-૧૯ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ધન્તવંતરી રથોને કાર્યરત કરવામાં આવ્યા છે. આજે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ દ્વારા લીલી ઝંડી બતાવી ત્રણ ધન્વંતરી રથોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ આરોગ્ય સેતુ સાથે સંલગ્ન ઈતિહાસ દ્વારા અલગ તારવાયેલ હોટ સ્પોટ વિસ્તારોમાં તાવ, હાયપરટેન્ટશન, ડાયાબિટીસ, ઝાડા, ચામડી સહિતના રોગોના નિદાન અને સારવારની કામગીરી હાથ ધરશે.

અત્યારની સ્થિતિએ આવા ૮૧ ગામોમાં કામગીરી કરવા માટે કુલ ૧૭ રથ જિલ્લામાં કાર્યરત થશે. કોરોના સંક્રમણ સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાના હેતુથી હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ-૩૦ અને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ પણ આ રથ મારફતે કરવામાં આવશે.


રથમાં ૧ ડોક્ટર, ૧ ફાર્માસિસ્ટ અને ૧ ફિમેલ હેલ્થ વર્કરની ટીમ રહેશે. આ ટીમ દ્વારા ગામ લોકોને કોવિડ-૧૯માં રાખવાની થતી સાવચેતી તેમજ આરોગ્ય સેતુ એપના ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ૧ મહિના સુધી જિલ્લાના વિવિધ ગામોમાં આ રથો દ્વારા આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરવામાં આવશે. દરેક રથ દ્વારા પ્રતિ દિવસ ૨ ગામ આવરી લેવાનું હાલની સ્થિતિએ આયોજન કરવામાં આવ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.