પંચમહાલ જીલ્લાના 12 પોલીસકર્મીઓનું પ્રશંસનીય કામગીરી બદલ સન્માન
ગોધરા, -કોરોના વોરિર્યસ અધિકારીઓ-કર્મચારીઓનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન.
દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા પોલીસ મેડલ મળવા બદલ પંચમહાલનાં બે પોલીસ અધિકારીઓનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્વાતંત્ર્ય પર્વના પ્રસંગે બહુમાન કરીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. રાજ્યમાં આ રીતે કુલ ૧૭ પોલીસકર્મી-અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં પંચમહાલ જિલ્લાના બે પોલીસ અધિકારીઓને આ મેડલ એનાયત થયો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયે દેશનાં તમામ સંવર્ગના પોલીસકર્મી- અધિકારીઓને પ્રશંસનીય સેવા અંગેના વિશિષ્ટ સેવા પોલીસ મેડલ રાષ્ટ્રપતિ જાહેર કરે છે. તેમાં રાજ્યનાં ૧૭ પોલીસકર્મીમાંથી પંચમહાલ-ગોધરાનાં પોલીસ અધિક્ષક એચ. એ. રાઠોડ અને મદદનીશ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ સિસોદીયાને આ મેડલ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વનાં દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા તેમને આ મેડલ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ બંને અધિકારીઓ સહિત પંચમહાલના કુલ ૧૨ પોલીસકર્મીઓનું નાયબ મુખ્યમંત્રીએ પ્રશંસનીય કામગીરી બદલ સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં કોરોના વોરિર્યસ અધિકારીઓ-કર્મચારીઓનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.