નિકોલની પંચામૃતની સ્કુલવાનો એક સપ્તાહ બંધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/advt-WT-Gray-Logo1.jpg)
શાળાની બહાર પણ વિદ્યાર્થીઓ પટકાવાની ઘટનાને લઈ ઉગ્ર ચર્ચા :શાળા સંચાલકોએ વહેલી સવારે તમામ વાલીઓને મેસેજ કરી દેતા અફડાતફડી :
|
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કુલની વાનમાંથી બાળકો પટકાવાની ઘટના બાદ તમામ તંત્રો સફાળા જાગ્યા છે શાળા દ્વારા એક સપ્તાહ સુધી તમામ સ્કુલ વાહનો બંધ કરીને વાલીઓને જાતે જ બાળકોને સ્કુલે મુકવાનો મેસેજ કરી દેવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ આરટીઓ વિભાગ દ્વારા પણ આજે સવારથી જ શહેર વ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તેમાં અનેક વાહનોમાં ગેરરીતિ જણાઈ છે. પંચામૃત સ્કુલની વાનો બંધ કરી દેવાતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
સમગ્ર ઘટનાનો રાજય સરકારે અહેવાલ મંગાવ્યો |
નિકોલની પંચામૃત સ્કુલની વાનમાંથી વિદ્યાર્થીઓ પટકાતા તેના ઘેરા પ્રત્યાઘાત રાજયભરમાં પડયા છે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને રાજયના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દે તાત્કાલિક તપાસ કરી તેનો અહેવાલ સુપ્રત કરવાનો આદેશ આપ્યો છે રાજય સરકારના આદેશથી જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે અને ટુંક સમયમાં જ આ સમગ્ર ઘટનાનો અહેવાલ સુપ્રત કરવામાં આવશે. અહેવાલ બાદ આ મુદ્દે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે જાકે આજે સવારથી જ આ ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. |
આ સ્કુલની વાનમાં બે વાનના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા જેના પરિણામે દરવાજા બંધ નહી થતાં ખુલ્લા દરવાજે ચાલકે ભયજનક હાલતમાં વળાંક લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી અગાઉ પણ વાલીઓએ સ્કુલવાનના મુદ્દે શાળા સંચાલકો વિરૂધ્ધ રજુઆત કરી હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત શાળાના વિદ્યાર્થીઓને બેસાડી પસાર થઈ રહેલી વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા જેમાંથી એક વિદ્યાર્થીનીની હાલત ગંભીર છે આ ઘટનાના પગલે શહેરભરમાં અફવાઓનું બજાર પણ ગરમ થઈ ગયું હતું એક વિદ્યાર્થી લાપત્તા હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને રાજય સરકાર પણ સફાળી જાગી હતી.
પંચામૃત સ્કુલમાં રોજ ૮ થી ૧૦ જેટલી સ્કુલ વાનો વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે આવતી હતી અને આ વાનમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડાતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે આ મુદ્દે વાલીઓએ રજુઆતો પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી નહી કરાતા ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ હતી સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ ઘટનાથી સરકારી તંત્ર સફાળા જાગી ગયા છે.
પંચામૃત સ્કુલની વાનમાંથી બાળકો પટકાતા જ શાળાના સંચાલકોએ તાત્કાલિક અસરથી શાળામાં વિદ્યાર્થીઓને લાવતા લઈ જતા વાહનો બંધ કરી દીધા છે આજે સવારે તમામ વાલીઓને મેસેજ કરી દેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને જાતે મુકવા આવવા જણાવવામાં આવ્યું હતું જેના પગલે સવારથી જ વાલીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી સવારે ૭.૦૦ વાગ્યે મેસેજ મળતા જ વાલીઓ પણ સફાળા જાગ્યા હતા.
પોતાના બાળકોને શાળાએ મુકવા આવ્યા હતા શાળાની બહાર પણ વાલીઓએ આ મુદ્દે ઉગ્ર ચર્ચા કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલની ઘટનામાં એક સ્કુલવાન બગડી ગઈ હોવાથી તેના તમામ વિદ્યાર્થીઓ અન્ય વાન માં ભરવામાં આવ્યા હતા જેના પરિણામે એક વાનમાં બે વાનના વિદ્યાર્થીઓને ભરાતા અંદર ખૂબ જ સકડાશ થઈ હતી પરિણામે દરવાજા પણ બંધ થઈ શકયા ન હતા જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટના બાદ સૌ પ્રથમ શાળા સંચાલકોએ એક સપ્તાહ સુધી વાહનો બંધ કરી દીધા હોવાનું જાણવા મળી રહયું છે આ ઘટના બાદ અન્ય શાળાના સંચાલકો પણ સફાળા જાગ્યા છે અને તાત્કાલિક વધુ માત્રામાં વિદ્યાર્થીઓને નહી બેસાડવા માટે વાન ચાલકોને તાકિદ કરી હોવાનું જાણવા મળી રહયું છે.
અમદાવાદ શહેરમાં સ્કુલવાનના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર ટકોર કરી હતી જેના મુદ્દે આરટીઓ તંત્ર સફાળુ જાગ્યુ હતું ગયા વર્ષે શહેરભરમાં વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને ક્ષમતા વધુ બાળકો બેસાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી..
આ દરમિયાનમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ ફરી એક વખત આરટીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચેકિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ચેકિંગ ઝુંબેશ દરમિયાન જ ચાલુ વાનમાંથી જ બાળકો પટકાવાની ઘટના ઘટી છે જેથી આરટીઓની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ જાવા મળી રહયો છે.