પંચાયત આરોગ્ય તંત્રએ ૭૫ મહિલાઓ સહિત ૧૧૦ વડીલોના માં કાર્ડ બનાવી ઉજવ્યો વિશ્વ વડીલ દિવસ
વડોદરા:વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આજે અનોખી અને પ્રેરક રીતે વિશ્વ વડીલ દિવસની ઉજવણી કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતની દોરવણી હેઠળ આજે માનવ સેવાની પરબ જેવા વાઘોડિયા તાલુકાના મુનિ સેવાશ્રમ ખાતે વિશેષ કેમ્પ યોજીને આ સંસ્થાના અંતેવાસી એવી ૭૫ મહિલાઓ સહિત વડીલો અને મનો દિવ્યાંગજનોને રાજ્ય સરકારના માં વાત્સલ્ય કાર્ડસ કાઢી આપીને આરોગ્ય સેવાઓ સુલભ બનાવી હતી. લાભાર્થી ઉષાબા એ જણાવ્યું હતું કે આ કાર્ડ કઢાવવું હતું પણ અવસ્થાને લીધે ઘણી અડચણો આવતી અને કાર્ડ નીકળતું ના હતું. આજે ઘર આંગણે આ કાર્ડ બની ગયું. આવું ક્યારેય વિચાર્યું જ ન હતું.
આ કેમ્પમાં ૩૫ વડીલો, ૭૫ મહિલાઓ અને ૧૭ મનો દિવ્યાંગો મળીને કુલ ૧૨૭ જરૂરિયાતમંદોના કાર્ડસ બનાવી આપવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે હાલમાં આયુષમાન ભારત પખવાડીકની ઉજવણી ચાલી રહી છે. આજે વિશ્વ વડીલ દિવસ પણ છે. તેને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ આ બંને પ્રસંગોની ભાવનાઓને વણી લઈને પ્રેરક ઉજવણીનું માર્ગદર્શન આપ્યું હતું.
જેને અનુલક્ષીને મુનિ સેવાશ્રમમાં આ કેમ્પ યોજ્યો. અહીંના વાનપ્રસ્થ આશ્રમમાં વડીલો, પરિવાર મંદિરમાં નિરાધાર બાળકો અને ભગિની મંદિરમાં બહેનો રહે છે.જેમને આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા આ જરૂરિયાતમંદો પાસે સામે થી જઈને તેમને આ કાર્ડસના લાભ આપવાનો નિર્ણય કર્યો. એમાં આવકના દાખલાની જરૂર પડે જે આપવાની સ્થળ વ્યવસ્થા મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ કરી અને સંકલિત અભિગમ હેઠળ એક સારું કામ કરીને અમે વડીલ દિવસ ઉજવી શક્યા. તેમણે ડો.વિક્રમ પટેલના નેતૃત્વ હેઠળ મુનિ સેવાશ્રમ ખાતે થઈ રહેલી જન સેવા પ્રવૃત્તિઓને દાખલારૂપ ગણાવી. ડો.વિક્રમ પટેલે જિલ્લા પંચાયત આરોગ્ય તંત્રની આ સદભાવનાને બિરદાવી હતી.