પંજાબઃ પઠાણકોટ છાવણી પર ગ્રેનેડ વડે હુમલો

નવી દિલ્હી, પઠાણકોટના સૈન્ય ક્ષેત્ર ત્રિવેણી દ્વાર ગેટ પર મોડી રાતે આશરે 1:00 વાગ્યે અજ્ઞાત બાઈક સવારોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં જાનહાનિની કોઈ ઘટના સામે નથી આવી અને પોલીસે હાલ સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે.
એસએસપી પઠાણકોટ સુરિંદર લાંબા સહિત પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે. તે સિવાય સૈન્ય ક્ષેત્રની આસપાસના સીસીટીવી ફુટેજની મદદથી માહિતી મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જાણવા મળ્યા મુજબ રવિવારે મોડી રાતે પઠાણકોટના કાઠવાલા પુલથી ધીરા જવાના રસ્તામાં આવતા સેનાના ત્રિવેણી દ્વાર પર મોટરસાઈકલ સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. આ કારણે ત્યાં તેજ વિસ્ફોટ થયો હતો. જોકે ગેટ પર ડ્યુટી સંભાળી રહેલા જવાનો થોડે દૂર હતા માટે કોઈને નુકસાન નથી પહોંચ્યું. ગ્રેનેડ ફેંકનારા બાઈક સવારો ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની પણ કોઈ વિગતો નથી મળી રહી.
વિસ્ફોટ અંગેની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે અને નાકાઓ પર પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.