પંજાબના ઘણા જિલ્લાઓમાં નાઈટ કફર્યુ લાદવાનો ર્નિણય
કુલ આઠ જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ અમલી, પંજાબમાં કુલ ૨૨ જિલ્લા છે અને ૮ જિલ્લા કોરોનાથી વધુ પ્રભાવિત છે
ચંડીગઢ, પંજાબમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, જે જાેતાં રાજ્ય સરકારે ફરી એક વખત પ્રતિબંધો લાદવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે કેટલાક જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાનો ર્નિણય કર્યો છે. હવે રાજ્યમાં કુલ આઠ જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ લાગી ચૂક્યો છે. પંજાબમાં કુલ ૨૨ જિલ્લા છે અને ૮ જિલ્લા કોરોનાથી વધુ પ્રભાવિત છે.
જેના પગલે સરકારે કોરોનાને અટકાવવા માટે આ ર્નિણય લીધો છે. પંજાબના પટીયાલા, જાલંધર, કપૂરથલા, નવાંશહર, હોશિયારપુર, લુધિયાણા, મોહાલી અને ફતેહગઢ સાહિબમાં નાઇટ કર્ફ્યૂ લાગુ છે. આ તમામ જિલ્લામાં રાત્રે ૧૧ વાગ્યાથી લઇને સવારે ૫ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે.
હાલમાં પંજાબમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ૩૧ જાન્યુઆરીએ પંજાબમાં માત્ર ૨૧૨૮ એક્ટિવ કોરોના કેસો હતા અને ૧૦ માર્ચે એક્ટિવ કોરોના કેસોની સંખ્યા ૯૪૦૨ સુધી પહોંચી ગઇ. જ્યારે ૧૦ માર્ચના દિવસે જ પંજાબમાં ૧૪૨૨ નવા કેસો નોંધાયા હતા. સાથે જ ૧૭ લોકોના મોત નિપજ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૩,૨૮૫ નવા કેસો સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણને લીધે ૧૧૭ લોકોનાં મોત નિપજ્યાં છે.