પંજાબના મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજાની EDએ કરી ધરપકડ
ચંદીગઢ, પંજાબમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેમના ભત્રીજા ભૂપિન્દર હનીની ઈડીએ ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ઈડીએ ભૂપિન્દર હનીને ગેરકાયદેસર ખનન મામલામાં પૂછપરછ માટે જાલંધર સ્થિત ઈડી ઓફિસે બોલાવ્યો હતો. પૂછપરછ બાદ ઈડીએ હનીની ધરપકડ કરી લીધી છે.
તેને આજે (૪ ફેબ્રુઆરી) મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. ઈડીએ થોડા દિવસ પહેલા ભૂપિન્દર હની અને તેના સાથીઓના ઠેકાણા પર મોહાલી અને લુધિયાનામાં રેડ કરી હતી. આ દરમિયાન ૧૦ કરોડ રોકડા, ૧૨ લાખનીરોલેક્ટ ઘડીયાળ, ૨૧ લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
ઈડીને ૮ કરોડ રૂપિયા હનીના મોહાલીના હોમલેન્ડ સ્થિત ઘર અને ૨ કરોડ રૂપિયા તેના પાર્ટનર સંદીપના લુધિયાણા સ્થિત ઠેકાણાથી મળી આવ્યા હતા. આ કાર્યવાહી ૨૦૧૮માં નોંધાયેલા ગેરકાયદેસર રેતી ખનન કેસમાં થઈ છે. આ કેસ તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના હવાઈ પ્રવાસમાં ગેરકાયદેસર રેત ખનન પકડાયા બાદ દાખલ થયો હતો. પોલીસે ત્યારે આઈપીસીની કલમ ૩૭૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને માઇન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.SSS