પંજાબના મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજાની ઈડી સમક્ષ કબુલાતઃ ૧૦ કરોડ મળ્યા

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની કડક પૂછપરછ કરી રહી છે આ દરમિયાન હનીએ કબૂલાત કરી છે કે રેતી ખનન અને ટ્રાન્સફર માટે કરોડો રૂપિયા મળ્યા હતા,
ઈડીએ દાવો કર્યો છે કે ભૂપિન્દર સિંહ હનીએ સ્વીકાર્યું છે કે ટ્રાન્સફર પોસ્ટિંગ અને માઇનિંગની સુવિધા માટે તેને ૧૦ કરોડ રૂપિયા મળ્યા હતા. પંજાબમાં ખાણકામના કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહેલી ઈડ્ઢએ ૩ ફેબ્રુઆરીએ ભૂપિન્દર સિંહ હનીની ધરપકડ કરી હતી.
ઇડીએ કહ્યું છે કે પંજાબના મલિકપુર ઉપરાંત બુરજહાલ દાસ, બરસાલ, લાલેવાલ, મંડલા અને ખોસામાં પણ ખાણકામ કરવામાં આવ્યું છે. ઈડીએ ૧૮ જાન્યુઆરીએ ભૂપિન્દર સિંહ હનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને ૧૦ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.
સર્ચ દરમિયાન કુદરતદીપ સિંહ, ભૂપિન્દર સિંહ (હની)ના પિતા સંતોખ સિંહ અને સંદીપ કુમારના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તે સાબિત થયું છે કે જપ્ત કરાયેલા ૧૦ કરોડ રૂપિયા ભૂપિંદર સિંહ હનીના છે.
ઈડીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપિન્દર સિંહ હનીએ કબૂલ્યું હતું કે તેને રેતીના ખનન માટે અને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે રોકડમાં પૈસા મળ્યા હતા. રવિવારે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચન્નીને કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આ મામલો મુદ્દો બન્યો છે.ચન્નીએ આ કાર્યવાહીને બદલાની ગણાવી છે.HS